ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલહેલ્થ

બાળકોને ગળ્યું ખવડાવી બીમાર ન બનાવો, શરૂઆતથી જ બદલો આ આદતો

  • નાનપણથી જ બાળકોને ગળ્યું ખવડાવાની આદત ન પાડો. સારા માર્ક્સ આવે તો મીઠાઈ, કોઈ ઘરે આવે તો ચોકલેટ- આઈસક્રીમ, કંઈ ન ખાવાની ઈચ્છા હોય તો પણ ગળી વસ્તુઓ ખાઈ લેવાની, આ આદતો લાંબા ગાળે તકલીફ ઊભી કરે છે

HD ન્યુઝ ડેસ્કઃ બાળકોને ગળ્યું ખવડાવતી વખતે આપણે વિચારતા નથી કે આપણે જ તેમની ખરાબ આદતની શરૂઆત કરી રહ્યા છે. આપણે એવી દલીલ પણ કરી બેસીએ છીએ કે બાળકોને તો બધું જ ખવાય. પણ યાદ રાખો શરૂઆત સારી તો અંત સારો. જો તમે બાળકોને નાનપણથી જ હેલ્ધી ખોરાકની આદત પાડશો તો તે હેલ્થ માટે જાગૃત થશે. નાનપણથી જ ગળ્યું ખવડાવાની આદત પાડી હશે તો તે છોડી નહીં શકે. સારા માર્ક્સ આવે તો મીઠાઈ, કોઈ ઘરે આવે તો ચોકલેટ લઈને આવવું, કંઈ ન ખાવાની ઈચ્છા હોય તો પણ મીઠું ખાઈ લેવું. આ બધી આદતોથી બાળકોને ગળ્યાની આદત પડતી જાય છે અને જે લાંબા ગાળે તકલીફ ઊભી કરી શકે છે.

ઘણીવાર આપણા બાળકને પ્રેમથી મીઠાઈ ખાવાનો આગ્રહ કરીને આપણે તેને અનહેલ્ધી માર્ગ પસંદ કરવા મજબૂર કરીએ છીએ. એક વાત યાદ રાખો વધુ પડતી ખાંડનું સેવન બાળકોમાં સ્થૂળતા વધારે છે. તે દાંતમાં સડો અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ વધારે છે. વધુ પડતી ખાંડ બાળકોના આહારમાંથી પોષક વિકલ્પોને દૂર કરી શકે છે. પરિણામે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે. અભ્યાસ દર્શાવે છે કે જે બાળકો વધુ ખાંડ ખાય છે તેઓ ઓછી ખાંડ ખાનારા બાળકો કરતાં વધુ હૃદયરોગથી પીડાય છે. આવી સ્થિતિમાં, સારું રહેશે કે તમે તમારા બાળકોને વધારાની ખાંડથી દૂર રાખો જેથી કરીને તે હેલ્ધી રહી શકે.

ડિનર બાદ ગળ્યું ખાવાની આદત બનાવી શકે છે શુગરના દર્દીઃ એક્સપર્ટ શું કહે છે? hum dekhenge news

શરૂઆત તમારાથી કરો

બાળકની પ્રથમ શાળા તેનું ઘર છે અને તેના પ્રથમ શિક્ષક તેના માતાપિતા છે. આ બાબતમાં તે પોતાના પરિવારના લોકોની આદતો પણ અપનાવે છે. જો તમને મીઠાઈઓ ગમે છે, તો તમે તમારા બાળકને તે ખાવાથી રોકી શકશો નહીં. તમે તમારા ખોરાકમાં સંતુલિત આહારનો સમાવેશ કરી શકો છો અને તેને તેનું મહત્ત્વ સમજાવી શકો છો. તમે મીઠાઈઓના બદલે ફ્લેવર્ડ દહીં, ફળો વગેરેને પ્રાધાન્ય આપો અને તમારા બાળકને સમજાવવાનો પ્રયાસ કરો કે વધારાની ખાંડ ખાવી તે અનહેલ્ધી છે.

હેલ્ધી વિકલ્પ પસંદ કરો

એવું જરૂરી નથી કે મીઠાઈની ઈચ્છા માત્ર ખાંડમાંથી બનેલી વસ્તુઓથી જ પૂરી થાય. આ ઇચ્છાને તંદુરસ્ત વિકલ્પોથી પૂર્ણ કરી શકાય છે. કેટલાક એવા વિકલ્પો જે તમને સંતોષ તો આપશે જ પરંતુ મીઠાઈની તીવ્ર તૃષ્ણાને પણ દૂર કરશે. તમારા આહારમાં ફળોનો સમાવેશ કરો. ખાદ્યપદાર્થોમાં મીઠાશ ઉમેરવા માટે, ખાંડના બદલે મેપલ સીરપ, મધ, ખજૂર જેવી કુદરતી મીઠાશનો ઉપયોગ કરી શકાય છે.

બાળકોને ગળ્યું ખવડાવી બીમાર ન બનાવો, શરૂઆતથી જ બદલો આ આદતો hum dekhenge news

મર્યાદા સેટ કરો

સારું કામ કર્યું તો લે આઈસ્ક્રીમ ખા. જો તને સારા માર્ક્સ મળે તો ચોકલેટ ખા. દરેક વાતમાં બાળકને ગળ્યાની આદત પાડવી યોગ્ય નથી. દૂધમાં પણ અનેક પ્રકારના પાવડર નાંખીને પીવડાવવાના બદલે નેચરલ મિલ્કની આદત પાડો. દરેક વાતચીતમાં અને દરેક માંગણી પર બાળકોને મીઠાઈ આપવાની આદત બંધ કરવી જ પડશે. ગળ્યુ ખાવા માટેના નિયમો બનાવો. તમે દિવસમાં કેટલી ખાંડ ખાઈ શકો તેની મર્યાદા સેટ કરો. બાળકને કહો કે જો તેં આજે એક ચોકલેટ ખાધી છે, તો તને આઈસ્ક્રીમ નહીં મળે. મીઠાઈ ફક્ત રવિવારે જ મળશે અથવા અઠવાડિયામાં માત્ર એક જ દિવસ ખાઈ શકાય છે. આ નિયમો તમારા બાળકના મનમાં એવી છાપ ઉભી કરશે કે મીઠાઈ દરરોજ નહીં પણ ખાસ પ્રસંગોએ જ ખાઈ શકાય છે.

તમારી જાતને અને બાળકોને શિક્ષિત કરો

બાળકોને વિવિધ પ્રકારની માહિતી એકઠી કરવી અને નવી વસ્તુઓ વિશે શીખવું ગમે છે. તેની આ જિજ્ઞાસા સંતોષવા માટે તમે રસોઈ સહિતના અનેક કામમાં તેમને સામેલ કરો. આમ કરવાથી તેમને ચોક્કસપણે પોષકતત્વો, શરીરની જરૂરિયાતો વિશેની સમજ મળશે. . તંદુરસ્ત વિકલ્પો સાથે સ્વાદિષ્ટ, પૌષ્ટિક ભોજન કેવી રીતે તૈયાર કરવું અને તે શા માટે ફાયદાકારક છે તેનો પણ તેમને ખ્યાલ આવશે.

આ આદતો છોડી દો

  • દરેક કામના ઈનામ તરીકે ચોકલેટ અને ટોફી આપવાની આદત બદલો. જો ઈનામ આપવાનું હોય તો પુસ્તકો, સ્ટેશનરી કે તેમની પસંદગીની કોઈ નાની ભેટ આપી શકાય.
  • સામાન્ય ચોકલેટને બદલે ડાર્ક ચોકલેટ પસંદ કરો. બાળકો તેમની આદતો અચાનક બદલી શકશે નહીં. પરંતુ, ડાર્ક ચોકલેટ તેમની ખાંડની માત્રા ઘટાડવામાં મદદરૂપ થશે. તેનો થોડો કડવો સ્વાદ પણ બાળકનો ચોકલેટ તરફનો લગાવ ઘટાડશે.
  • દૂધમાં કોઈપણ પાવડર મિક્સ ન કરો. માતાઓ સ્વાદ માટે દૂધમાં પાવડર અને ખાંડ એટલે કે ડબલ ખાંડ ઉમેરે છે.
  • પેકિંગ વાળા જ્યૂસ પીવાનું ટાળો. જો તમે તમારા બાળકને ઠંડા પીણાને બદલે આવા જ્યુસ પીવડાવી રહ્યા છો, તો આ આદતને તરત જ બદલી નાખો. તેમાં પ્રિઝર્વેટિવ્સ અને ઘણી બધી ખાંડ સિવાય કંઈ જ હોતુ નથી

આ પણ વાંચોઃ આ પાંચ ફળો ખાશો તો કિડની રહેશે હેલ્ધી, યોગ્ય ડાયેટ કરો ફોલો

Back to top button