નિરાશ ન થશો, 2000ની ચલણી નોટ RBI હજુ સ્વીકારે છે
- રૂપિયા 2000 ની નોટ રિઝર્વ બેંકની નિર્ધારિત 19 બ્રાન્ચમાં જમા કરાવી શકાશે
- 2000ની નોટ ચલણમાંથી નાબૂદ થઈ ગઈ નથી
રૂપિયા 2000ની ચલણી નોટ વિશે હજુ પણ ઘણા લોકોમાં અસમંજસની સ્થિતિ હોવાનું જણાય છે. જોકે, આ અંગે ગુંચવાડો રાખવાની કોઈ જરૂર નથી કેમ કે RBI ની નિર્ધારિત ઑફિસોમાં 2000ની ચલણી નોટ સ્વીકારવાનું હજુ ચાલુ છે.
હમ દેખેંગે ન્યૂઝને મળેલી માહિતી અનુસાર આજે 10 ઑક્ટોબરને મંગળવારે અમદાવાદમાં રિઝર્વ બેંકની શાખામાં રૂપિયા 2000ની ચલણી નોટો જમા કરાવવા માટે લાંબી લાઈન લાગી હતી. એ સ્થળની મુલાકાત લેતા જાણવા મળ્યું કે, મોટાભાગના લોકોને RBI એ 30 સપ્ટેમ્બરે જાહેર કરેલી માર્ગદર્શિકા વિશે જાણકારી નથી. અમુક લોકોએ તો એમ પણ જણાવ્યું કે, તેઓ તેમની બેંકમાં આ ચલણી નોટો જમા કરાવવા ગયા હતા પરંતુ બેંકોએ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો એટલું જ નહીં પરંતુ બેંકો પાસે હવે પછી શું? એ વિશે પણ કોઈ જાણકારી નહોતી.
આ પણ વાંચોઃ શનિવારે છેલ્લો દિવસ! 2000 રૂપિયાની કેટલી નોટો હજુ પરત નથી આવી?
વાસ્તવમાં રિઝર્વ બેંક દ્વારા 2000ની નોટો સ્વીકારવાનું ચાલુ છે અને એ માટે RBIની 19 બ્રાન્ચ નિર્ધારિત કરવામાં આવી છે.
રિઝર્વ બેંકે એવી પણ સ્પષ્ટતા કરેલી જ છે કે, 2000ની નોટ ચલણમાંથી નાબૂદ નથી થઈ, માત્ર તેને પરત ખેંચી લેવામાં આવી રહી છે. તેથી હજુ પણ જેમની પાસે હોય તે રિઝર્વ બેંકની નિર્ધારિત બ્રાન્ચમાં જમા કરાવી શકે છે.
રિઝર્વ બેંકે અગાઉ જે જાહેરાત કરી હતી તે અનુસાર, 8મી ઑક્ટોબર બાદ વ્યક્તિગત ધોરણે અથવા સંસ્થા-કંપની RBIની નિર્ધારિત 19 બ્રાન્ચમાં એક સાથે મહત્તમ રૂપિયા 20,000 જમા કરાવી શકશે અને તેની સામે નાની રકમની નોટ લઈ શકશે. એ જ પ્રમાણે જે લોકો પોતાના ખાતાંમાં રકમ જમા કરાવવા માગતા હશે તેઓ ગમે તેટલી રકમની 2000ની નોટ માત્ર RBIની નિર્ધારિત 19 શાખા દ્વારા કરી શકશે.
આઠ ઑક્ટોબર પછી વ્યક્તિગત અથવા કંપનીઓ રૂપિયા 2000ની બેંક નોટો ભારતીય પોસ્ટ દ્વારા RBIની નિર્ધારિત 19 બ્રાન્ચમાં મોકલાવી શકશે જેને તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
આરબીઆઈએ મહત્ત્વની જાહેરાત એ પણ કરી છે કે, રૂપિયા 2000ની બેંકનોટ કાનૂની ચલણી નોટ તરીકે યથાવત રહેશે.