ભાજપ બેરોજગાર બાર્બરોનો પક્ષ છે: DMKના દયાનિધિ મારન
ચેન્નઈ (તમિલનાડુ), 02 જાન્યુઆરી 2024: DMKના સાંસદ દયાનિધિ મારને ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ભાજપની આઈટી વિંગની સરખામણી ‘બેરોજગાર બાર્બર’ સાથે કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે IT શાખાના સભ્યો જૂના વીડિયો ફરતા કરી રહ્યા છે કારણ કે તેમની પાસે કામ કરવા માટે બીજું કંઈ નથી. હિન્દીભાષી રાજ્યો પર આપેલા વિવાદિત નિવેદન બાદ તેમની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મારને ભાજપની ટીકા કરવા માટે એક તમિળ કહેવત ટાંકી હતી.
સાંસદ મારને કહ્યું, તમિળમાં એક કહેવત છે કે, જ્યારે બાર્બર પાસે કરવા માટે કંઈ ના હોય તો ત્યારે બિલાડીનું માથું મુંડાવી નાખે છે. તેવી જ રીતે આઈટી વિંગ પાસે કંઈ કામ નથી તો મારા જૂના વીડિયો વાઇરલ કરી રહ્યા છે. આ સાથે ભાજપે દયાનિધિ મારનના બાર્બરના નિવેદન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે મારને બાર્બર સમુદાયનું અપમાન કર્યું છે.
હિન્દીભાષી રાજ્યો પર આપ્યું હતું નિવેદન
દયાનિધિ મારને ચાર વર્ષ પહેલા કથિત હિન્દી લાદવાના વિરોધમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. આ ભાષણનો વીડિયો હાલમાં જ વાઇરલ થયો હતો. જેમાં દયાનિધિ મારન કહેતા જોવા મળ્યા હતા કે યુપી-બિહારના લોકો તમિલનાડુમાં શૌચાલય સાફ કરે છે કારણ કે તેઓ હિન્દી ભાષી રાજ્યોમાંથી આવે છે. આ વીડિયો ગયા અઠવાડિયે બીજેપીના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય અમિત માલવિયાએ તેમના X હેન્ડલ પર શેર કર્યો હતો.
વીડિયોને લઈ રાજકારણ ગરમાયું
આ વીડિયો વાઇરલ થતાં જ રાજકીય વિવાદ પેદા થયો હતો, જેની INDI ગઠબંધનના નેતાઓ સહિત ઉત્તર ભારતનાં વિવિધ પક્ષના નેતાઓ ટીકા કરી કરી હતી. NDAના નેતા અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદલે પણ દયાનિધિ મારનના નિવેદનની નિંદા કરી હતી. ભાજપે કોંગ્રેસના નેતાઓ અને નીતિશ કુમારે મારનની ટિપ્પણી પર તેમનું વલણ સ્પષ્ટ કરવાની માંગ કરી હતી. જો કે, સાંસદ મારન અહીંયા ન રોકાયા અને ફરી એકવાર નિવેદન આપી વિવાદને વેગ આપ્યો છે.
બીજી તરફ, ભાજપ પર વળતો પ્રહાર કરવા DMKએ ભાજપના વરિષ્ઠ નેતા તરુણ વિજયનો એક જૂનો વીડિયો સર્ક્યુલેટ કર્યો જેમાં દક્ષિણ ભારતના લોકોને અશ્વેત કહ્યા હતા. DMKનો આરોપ છે કે ભાજપના નેતાઓ દક્ષિણ રાજ્યોના લોકોનું અપમાન કર્યું છે.
આ પણ વાંચો: સાબિત કરો તમે હિન્દુ, હિન્દીભાષી રાજ્યની વિરુદ્ધ નથી’: BRSએ કોને પડકાર આપ્યો?