દિવાળી આજે અને એકાદ બે દાયકા પહેલા…
- સમયની સાથે સાથે તહેવારોની ઉજવણીમાં થોડું પરિવર્તન આવતું જાય છે. આજે દેખીતી વાત છે કે લોકો સોશિયલ મીડિયામાં વધુ અને સોશિયલી ઓછા એક્ટિવ હોય છે.
દિવાળીનો તહેવાર હિંદુ ધર્મમાં સૌથી લાંબો તહેવાર છે, તે પાંચ દિવસ સુધી ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર ધનતેરસથી લઇને ભાઇબીજ સુધી ચાલે છે. સમગ્ર ભારતમાં દિવાળી ઉજવવામાં આવે છે, જોકે અલગ અલગ જગ્યાએ આ તહેવાર અલગ અલગ રીતે ઉજવાય છે. હિંદુ પંચાંગ અનુસાર આસો માસની અમાસના રોજ દિવાળીનો તહેવાર ઊજવવામાં આવે છે.
સમયની સાથે સાથે તહેવારોની ઉજવણીમાં થોડું પરિવર્તન આવતું જાય છે. આજે દેખીતી વાત છે કે લોકો સોશિયલ મીડિયામાં વધુ અને સોશિયલી ઓછા એક્ટિવ હોય છે. પહેલા દિવાળીના તહેવારોમાં એકબીજાના ઘરે જવાનું, તમને જાણીને નવાઈ લાગી શકે, પરંતુ પાડોશીઓના ઘરે જવાનું, સગા સંબંધીઓને મળવાનું ચલણ વધુ હતુ. આજે દિવાળીની શુભકામનાઓ સોશિયલ મીડિયા દ્વારા વધુ આપવામાં આવે છે. પહેલા દુર રહેતા લોકોને ફોન કરીને નૂતન વર્ષના અભિનંદન અપાતા હતા, આજે વીડિયો કોલ, ઇન્સ્ટા, ફેસબુક અને ટ્વીટરનું ચલણ વધી ગયું છે.
વ્યસ્ત જિંદગીએ લોકોને થકવ્યા
આજે ઘણી જગ્યાએ દિવાળીને એક તહેવાર તરીકે નથી જોવાતો, પરંતુ રજાઓ માણવાનો કે થાક ઉતારવાનો અવસર સમજવામાં આવે છે. જે લોકો સતત કામ-ધંધા, નોકરીઓથી થાકી જતા હોય છે, તેઓ આ ચાર-પાંચ દિવસના મિનિ વેકેશનને આરામ કરવાના દિવસો માને છે.
બહારગામ જવાનું ચલણ પણ વધ્યું
પહેલા દિવાળી જેવા હિંદુ ધર્મના સૌથી મોટા તહેવાર ગણાતા દિવાળીના તમામ દિવસો લોકો ઘરે જ રહેતા, ઘરને સજાવતા. એવું માનવામાં આવતું હતું કે દિવાળીમાં ઘરના દરવાજા બંધ ન હોવા જોઈએ, પરંતુ આજે એવી માન્યતાઓને કોઈ માનતું નથી. દિવાળીમાં જે મિનિ વેકેશન મળે છે તેને પરિવાર કે મિત્રો સાથે બહારગામ જઈને પસાર કરવાનું પસંદ કરવામાં આવે છે.
સમયના અભાવે ટ્રેડિશન ઘટી
પહેલા દિવાળીમાં રોજે રોજ ફુલો કે કલર્સની રંગોળી કરવામાં આવતી હતી, આજે લોકો એટલી વ્યસ્ત લાઈફ જીવી રહ્યા છે કે રંગોળી બનાવવાનો પણ પૂરતો સમય નથી. ઘણા લોકો એક રંગોળી કરીને ચાર દિવસ ચલાવે છે અથવા તો કેટલાક લોકો રંગોળીના સ્ટીકર લાઈને લગાવી દે છે. પહેલા નાસ્તા બનાવવા માટે ઘરની મહિલાઓ એકઠી થતી હતી, પરંતુ આજે મહિલાઓ પણ કામકામ અર્થે ઘરની બહાર નીકળવા લાગી છે, તેમની પાસે પૂરતો સમય નથી, તેથી તૈયાર નાસ્તાનું ચલણ વધ્યું છે. એકાદ બે દાયકામાં દિવાળીમાં આ રીતે ઘણું પરિવર્તન આવ્યું છે.
આ પણ વાંચોઃ સાળંગપુર મંદિરમાં 50થી વધુ વેપારી અગ્રણીઓએ લક્ષ્મીજી અને ચોપડા પૂજન કર્યું