દિવાળીઃ રંગીલા અને મોજીલા રાજકોટની ખટમીઠી વાતો
પૂજન પાટડિયા, રાજકોટ
- રાજકોટમાં દિવાળીના મહાપર્વની આનંદ અને હર્ષોઉલ્લાસભેર ઉજવણી
- રાજકોટ જાણે અયોધ્યા નગરી બન્યું હોય અને સમૃદ્ધિના રંગે રંગાયું હોય તેવો માહોલ
- દિવાળીના પર્વ પર સમગ્ર શહેર દીવાની રોશની અને લાઇટિંગના શણગારથી ઝળહળી ઊઠ્યું
- ગુંદાવાડી, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ જેવી વિવિધ મુખ્ય બજારોમાં લોકોની ભારે ભીડ
રાજકોટ શહેરમાં દિવાળીના મહાપર્વની આનંદ અને હર્ષોઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના આ મહાપર્વ પર રાજકોટ જાણે નાની અયોધ્યા નગરી બન્યું હોય અને સમૃદ્ધિના રંગે રંગાયું હોય તેવો માહોલ જોવા મળે છે. રાજકોટની ગુંદાવાડી, લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ જેવી વિવિધ મુખ્ય બજારો પર લોકોની ભારે ભીડ ઉમટી પડે છે. આખા શહેરને લાઇટિંગથી શણગારવામાં આવે છે. શહેરના લોકો પરિવાર સાથે ફટાકડા ફોડીને અનેરા આનંદની અનુભૂતિ કરે છે તેમજ સમગ્ર શહેર દીવાની રોશની અને લાઇટિંગના શણગારથી ઝળહળી ઊઠે છે.
#WATCH | Gujarat | Diwali carnival launched in Rajkot, by Rajkot Municipal Corporation. #Diwali2023 pic.twitter.com/vott0dUwvC
— ANI (@ANI) November 8, 2023
રાજકોટમાં દિવાળીની ઉજવણી કેવી રીતે થાય છે?
રાજકોટની મુખ્ય બજારો જેવી કે ગુંદાવાડી, લાખાજીરાજ રોડ, દિવાનપરા રોડ, ધર્મેન્દ્ર રોડ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. રાજકોટ શહેરમાં સર્વત્ર દિવાળીના પર્વને લઇ ઉલ્લાસ-ઉમંગનો માહોલ જોવા મળે છે. ત્યારે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ દિવાળી નિમિતે ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં સર્વપ્રથમ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ, બહુમાળી ચોક, કાલાવડ રોડ, મુખ્ય બજારો જેવા સમગ્ર શહેરના અનેક વિસ્તારોને લાઇટિંગનો શણગાર કરવામાં આવે છે તેમજ ધનતેરસના દિવસે મનપા દ્વારા રેસકોર્ષ મેદાનમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ આતશબાજીનું આયોજન થાય છે. આ વર્ષે પણ આતશબાજીના આ કાર્યક્રમને નિહાળવા માટે બહોળી સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા અને આતશબાજીની મજા માણી હતી.
અરે..આ તો ફટાકડા નથી!! તો આ શું છે ફટાકડા આકારનું??
આ વર્ષે રાજકોટ શહેરમાં સુતળી-બોમ્બ, શંભુ,ભો-ચકરી, રોકેટ સહિતના આકારની વિશેષતાવાળી બાળકોની મનપસંદ વસ્તુ જોવા મળી છે. આ જે વસ્તુ છે તે ફટાકડા નહીં પરંતુ ફટાકડા આકારની ચોકલેટ છે. જે નાના બાળકોની ખુબ જ મનપસંદ હોય છે. રાજકોટમાં દિવાળી પર આ વર્ષે ફટાકડા આકારની ચોકલેટ જોવા મળી છે. બાળકોને બે વસ્તુ ખૂબ જ પ્રિય હોય છે. જેમાં એક તો ફટાકડા અને બીજી ચોકલેટ. જેથી રાજકોટમાં વેપારી દ્વારા સુતળી-બોમ્બ, શંભુ, ભો-ચકરી, રોકેટ સહિતના ફટાકડા આકારની ચોકલેટ તૈયાર કરવામાં આવી છે. આ ફટાકડા આકારની ચોકલેટ હાલ રાજકોટની બજારમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે. આ ફટાકડા આકારની જે ચોકલેટ તૈયાર કરવામાં આવી છે તે કુલ અલગ અલગ છ ફ્લેવરમાં તૈયાર કરવામાં આવી છે આ ચોકલેટ ૬૦૦થી લઈ 1500 રૂપિયા કિલોએ વેચવામાં આવી રહી છે આ ચોકલેટની ખાસ વિશેષતા એ રહેલી છે કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે આ ખાસ ચોકલેટમાં વિટામીન પાવડર પણ નાખવામાં આવે છે. તેમજ અન્ય ચોકલેટની સરખામણીએ આ ચોકલેટમાં સુગરનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું રાખવામાં આવ્યું છે. દિવાળીના બીજે દિવસે લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પોતાના સગા સંબંધી તેમજ સ્નેહીજનોને મીઠાઈ અથવા ચોકલેટ ખવડાવી મો મીઠું કરાવીને આપતા હોય છે. તો કેટલીય જગ્યાએ મીઠાઈ અથવા ચોકલેટના પેકિંગની ભેટ પણ આપવામાં આવતી હોય છે. ત્યારે આ અનોખી ફટાકડા આકારની ચોકલેટ જે રાજકોટની બજારમાં ખૂબ જ ધૂમ મચાવી રહી છે અને કેટલી ઓફિસ અને કોર્પોરેટ કંપનીમાં આ ફટાકડા આકારની ચોકલેટ કર્મચારીઓને ગિફ્ટ રૂપે ભેટમાં પણ આપવામાં આવી રહી છે..
રાજકોટમાં પહેલા કેવી રીતે દિવાળીની ઉજવણી થતી હતી ?
હાલના જમાનામાં રાજકોટમાં આ દિવાળી ખોવાયેલી છે. જેમાં લોકો રાત આખી જાગીને રંગોળી કરતા, કોના ઘરે સારો મુખવાસ છે એ માટે અભિપ્રાય આપતા, ફટાકડાનો ભાગ પાડીને ઝગડા કરતા, ફટાકડા ફોડતા બીક લાગતી છતાં હોશિયારી કરતા, રાત્રે ફૂટેલા ફટાકડા સવારે ગોતવા નીકળતા, નવા કપડાં પહેરી ઠાઠ જમાવતા, મોટાના પગે લાગીને કોને વધુ પૈસા મળ્યા તેવી દિવાળી આજના યુગમાં ખોવાઈ ગયું તેવું લાગી રહ્યું છે. તમને જો યાદ હોય આ દિવાળી અને તમને મળે તો મને પણ બોલાવજો આ દિવાળીને માણવા.
#WATCH Gujarat: A rangoli carnival was organized on the occasion of Diwali in Rajkot. (11.11) pic.twitter.com/s9HOcDXAY1
— ANI (@ANI) November 12, 2023
દિવાળીના પર્વને લઇ શહેરમાં સર્વત્ર ઉલ્લાસ-ઉમંગનો માહોલ
અગાઉના વર્ષોમાં રાજકોટના લોકો પ્રકાશના આ મહાપર્વ કહેવાતા દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરતા હતા. પરંતુ જેમ જેમ વર્ષો વીતવા લાગ્યા તેમ તેમ નવી પેઢી નવા રંગે રંગાવા લાગી. હાલના સમયમાં રાજકોટના લોકો બહાર ફરીને દિવાળીની ઉજવણી કરવામાં વધુ માની રહ્યા છે. લોકો જાહેર સ્થળો, ખાણીપીણીની દુકાનો, મુખ્ય બજારો પર વધુ જોવા મળે છે. પહેલાના સમયમાં લોકો સાંસ્કૃતિક રીતે દિવાળીની ઉજવણી કરતા હતા. જેમાં શહેરીજનો સગા-સંબંધીઓ, મિત્રો, આડોશ-પાડોશમાં રહેતા લોકોના ઘરે જઈને યાદો બનાવતા હતા. જ્યારે હાલ સમયમાં લોકો આવી રીતે ઉજવણી કરવાના બદલે બહાર ગામ જઈને અથવા બહાર ફરીને ઉજવણી કરવાનું વધુ પસંદ કરે છે. પહેલાના સમયમાં લોકો ભારતીય સંસ્કૃતિથી જોડાયેલા રહીને દિવાળીના મહાપર્વની ઉજવણી કરતા હતા જયારે આજના સમયમાં લોકો સંસ્કૃતિ અળગા રહીને દિવાળીની ઉજવણી કરતા વધુ જોવા મળે છે.
આ પણ વાંચો :રાજકોટમાં ખૂલ્યું વેસ્ટર્ન ઝોન અને ગુજરાતનું પ્રથમ રેલ-કોચ રેસ્ટોરન્ટ