ટોપ ન્યૂઝવર્લ્ડ

અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન પહેલા ટ્રમ્પ દિવાળીની ઉજવણી કરશે, ખાનગી રિસોર્ટમાં આતિશબાજીનું પણ આયોજન

Text To Speech

વોશિંગ્ટનઃ ભારતની સાથે સાથે દુનિયાભરમાં દિવાળી ઉજવવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ કડીમાં અમેરિકી નેતાઓએ પણ આયોજન સાથે જોડાયેલી જાણકારીઓ શેર કરવાનું શરૂ કરી દીધું છે. આ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનથી લઈને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિવાળી કાર્યક્રમ આયોજિત કરશે. આ ઉપરાંત અમેરિકાના અનેક રાજ્યોમાં ડેમોક્રેટ અને રિપબ્લિકન નેતા પોત પોતાના સ્તરે ભારતવંશીઓની સાથે દિવાળીની ઉજવણીમાં સામેલ થશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પોતાના સત્તાવાર ઘર વ્હાઈટ હાઉસમાં 24 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરશે. કાર્યક્રમમાં તેમની સાથે ભારતીય-અમેરિકી સમુદાયના અધિકારીઓ સામેલ થશે. જો બાઇડેનની સાથે તેમના પત્ની જિલ બાઇડેન પણ તહેવાર મનાવશે. વ્હાઈટ હાઉસમાં કાર્યક્રમને લઈને તૈયારી કરવામાં આવી રહી છે.

બીજી તરફ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના ફ્લોરિડા સ્થિત માર-એ-લાગો રિસોર્ટમાં 21 ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરશે. જે અંગેની જાણકારી આપતા રિપબ્લિકન પાર્ટીના હિન્દુ વિંગ- રિપબ્લિકન હિન્દુ કોલિશન (RHC)એ કહ્યું ટ્રમ્પની સાથે ભારતીય-અમેરિકી સમુદાયના નેતા માર-એ-લાગો રિસોર્ટમાં હાજર રહેશે. RHCના શલભ કુમારે કહ્યું કે ટ્રમ્પનો કાર્યક્રમ લગભગ ચાર કલાક સુધી ચાલશે. આ દરમિયાન તેમના રિસોર્ટમાં આતિશાબાજીની પણ શક્યતા છે.

અમેરિકામાં દિવાળીનો તહેવાર ભારે પોપ્યુલર
અમેરિકાની સાથે સાથે દિવાળીનો પર્વ દુનિયાના અનેક મોટા દેશમાં ઘણાં જ ઉત્સાહ, ઉમંગ અને ધામધૂમથી ઉજવાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ગત વર્ષે જ દિવાળી પર વ્હાઈટ હાઉસમાં દીપ પ્રગટાવીને લોકોને તહેવારની શુભેચ્છા આપી હતી. બાઇડેને પોતાના શુભેચ્છા સંદેશામાં કહ્યું હતું, ‘દિવાળીનો પ્રકાશ આપણને અંધકારથી જ્ઞાન, બુદ્ધિમત્તા અને સત્ય તરફ આગળ વધવાની યાદ અપાવે છે. આ આપણને વિભાજનથી એકતા અને નિરાશાથી આશા તરફ લઈ જાય છે. અમેરિકા તેમજ વિશ્વભરના હિન્દુઓ, શીખો, જૈનો અને બૌદ્ધ લોકોને દિવાળીની શુભકામના.’

આ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ પણ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે વ્હાઈટ હાઉસમાં ભારતવંશીઓની સાથે દિવાળીની ઉજવણી કરી હતી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હાર પછી વ્હાઈટ હાઉસમાં છેલ્લી દિવાળી દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે પ્રકાશના આ તહેવારમાં મિત્ર, પડોસી અને તમારા પ્રિયજન મળીને આસુરી શક્તિ પર વિજય મેળવે છે તેની ઉજવણી કરે છે. જ્યારે અમેરિકામાં દિવાળી પર દીપ પ્રગટાવવામાં આવે છે ત્યારે આપણો દેશ ધાર્મિક રીતે આઝાદ દેશની જેમ ચમકે છે.

Back to top button