દિવાળીઃ કચ્છમાં કેવી રીતે ઉજવાય છે આ પ્રકાશપર્વ?
કચ્છ: દિવાળી એટલે વર્ષના સૌથી મોટા તેમજ મહત્ત્વના દિવસો તેમજ વર્ષોથી ચાલી આવતી દીવા, ફટાકડા, પ્રકાશ અને મીઠાઈઓની પરંપરાનો તહેવાર પણ કહી શકાય. આ દિવસોની તૈયારી ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશમાં જોરશોરથી 15 દિવસ પહેલા જ શરૂ કરી દેવામાં આવતી હાય છે . દિવાળીની ઉજવણીને લઈ અનેક કથાઓ છે અને દરેક દેશ, શહેર તેમજ જગ્યાઓએ દિવાળીની ઉજવણીની પરંપરા વિવિધ રીતે કરવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છમાં દિવાળીની ઉજવણીને લઈને ખૂબ જ અનોખી રીતે જોવા મળે છે, ખાસ કરીને ભુજ સિટીમાં વર્ષના સૌથી મોટા તહેવારની ઉજવણીની પરંપરા જ છે જે આ વિસ્તારને બીજા વિસ્તારો કરતા જુદી પાડે છે.
આમ જોવા જઈએ તો આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે તેમજ આવનાર પેઢી પણ જૂની પેઢી પાસે આ પરંપરા જાળવી રાખવા શીખે છે તેમજ ઉત્સાહપૂર્વક નિભાવે પણ છે. આવો જાણીએ કે દિવાળીના તહેવારો કચ્છ ભુજમાં કેવી રીતે ઉજવવામાં આવે છે. તહેવારોના દિવસો અગિયારસથી સામાન્ય રીતે શરૂ થઈ જતાં હોય છે અને બજારોમાં ગ્રાહકોના અવાજ તેમજ દુકાનદારોના “આવી જાવ આવી જાવ” ના નાદ સંભળાતા હોય છે.
ધનતેરસનો તહેવાર એ આયુર્વેદ પ્રમાણે ધન્વંતરિનો તહેવાર
ધનતેરસનો તહેવાર એ આયુર્વેદ પ્રમાણે ધન્વંતરિનો તહેવાર કેહવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનની પૂજા કરવામાં આવે છે તેમજ એમ પણ માનવામાં આવે છે કે ધનતેરસ નામ લોકોએ આપ્યું છે. હકીકતમાં તો આ દિવસનું નામ “ધન્વંતરિ” હતું. ધન્વંતરિ દેવી એ આયુર્વેદિક દવાઓનાં દેવી છે, આજે પણ ધન્વંતરિ દેવીની પૂજા થાય છે, અને નૈવેદમાં ઔષધિ ધરવામાં આવે છે જે આખું વર્ષ ઉપયોગમાં લેવામાં આવે છે.
દિવાળીના બધા જ દિવસો ખાસ હોય છે પણ કચ્છમાં કાળી ચૌદસ એટલે વર્ષની સૌથી મોટી ચૌદસની ઉજવણી અલગ રીતે કરવામાં આવે છે, આ દિવસે ઘર ઘરમાં માતાજીને નૈવેદ અર્પણ કરી આખો પરિવાર સાથે હળી મળીને જમે છે તેમજ ફટાકડા ફોડી એકતા તેમજ સંસ્કૃતિને જીવત રાખવા તત્પર હોય છે. માતાજીને ધરાવવામાં આવતા નૈવેદની રીત ઘર ઘરમાં જૂદી હોય છે પણ મોટી રીતે એક સરખી રીતે જ કરવામાં આવે છે અને નૈવેદની રીત ખૂબ જ રસપ્રદ હોય છે.
સામાન્ય રીતે સવારના 5 વાગ્યેથી નૈવેદની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે, નવ (9) જાતની અલગ અલગ વસ્તુઓથી બનાવમાં આવતા આ નૈવેદમાં 9 વસ્તુઓના 18 નંગ બનવવામાં આવે છે જેમા નાઈકડા, દીવડા, રતન, સૂવાની પૂરી, દૈથરા, માંડા, ચૂર્મો, દૂધપાક અને મગની દાળના વડા માતાજીને ધરવવામાં આવે છે. મૂહુર્ત અનુસાર પૂજારી માતાની પૂજા અર્ચના કરાવે છે જેમાં કુટુંબ સહિત બધા સગાસંબંધી ભાવપૂર્વક ભાગ લે છે, પૂજા પૂર્ણ થાય ત્યારે પૂજારી દ્વારા એક સાદ પાડવામાં આવે છે ,” મા નો વીર કોણ?” આ પરંપરા કંઇક એવી છે કે કુટુંબના બધા વીરો એટલે કે છોકરાઓ 9 વસ્તુઓ પોતાના હાથથી પકડી રાખે છે અને જ્યારે તે સાદ બોલવામાં આવે ત્યારે પરિવારના બધા જ વીરો જોરથી બોલે છે ,“હું વીર” અને જે સૌપ્રથમ વસ્તુઓ બહાર ખેંચે છે એ મા નો વીર એવું માનવામાં આવે છે. જોવા જઈએ તો બધા જ માના વીર હોય પણ તહેવારમાં જ્યાં સુધી મસ્તી તેમજ રમતોનો ઉમેરાશ ન થાય ત્યાં સુધી તહેવાર અધૂરો લાગે છે. નૈવેદ બાદ પરિવારના બધા જ સભ્યો સાથે મળીને પ્રેમથી જમે છે જેમાં દૂધપાક, રીંગણ બટેકાનું શાક, ભજીયા જેવી અનેક સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવવામાં આવે છે.
દસ પેઢીથી જળવાઈ રહી છે પરંપરા
કાળી ચૌદસના દિવસે માને નૈવેદ ધરાવાની પ્રથા બહુ વર્ષોથી ચાલી રહી છે અને તે વાતનું મોટું ઉદાહરણ કચ્છ ભુજના નિવાસી વ્રજલાલ ત્રિકમજી સોની પરિવારની પેઢી છે. દસ પેઢીથી ચાલી આવતી આ પરંપરાને વ્રજલાલ ત્રિકમજી સોની પરિવારની દસમી પેઢી આજે પણ હળીમળીને પ્રેમપૂર્વક માને ભાવભર્યું ભોગ અર્પણ કરી આ પરંપરાને જીવત રાખી આવનાર પેઢી માટે ઉદાહરણ તેમજ તેમનામાં પણ આ પરંપરા જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી દર વર્ષે આ તહેવાર ઉજવવામાં આવતો હતો અને આવતા સમયમાં પણ ઉજવવામાં આવશે.
કાળી ચૌદસના બીજા દિવસે દિવાળી
દિવાળીના દિવસે સવારે લોકો દર્શન કરવા જાય છે તેમજ અનેક વિસ્તારમાં સવારથી ફટાકડા ફોડવામાં આવે છે અને સાંજે ઘર, દુકાન અથવા તો કારખાનામાં ચોપરા પૂજન કરી નવા વર્ષને આવકાર આપવામાં આવે છે. ચોપડા પૂજન બાદ આખો જિલ્લો ફટાકડાના અવાજથી ગુંજ્યા કરે છે.
કચ્છ ભુજમાં દિવાળી કંઇક આવી રીતે ઉજવામાં આવે છે. જોકે દર વર્ષે દિવાળીને લઈ અનેક ફેરફાર જોવા મળતા હોય તેમાં પણ આજની ફાસ્ટ, ફોરવર્ડ અને ક્રિએટિવ પેઢી અનેક રસ્તા શોધી તહેવારને પોતાની રીતે ઉજવવામાં વધુ માને છે.
આ પણ વાંચો: દિવાળીમાં લક્ષ્મી પૂજન સાથે ખાસ જરૂરી છે આ વસ્તુઓ, રાખવાનું ન ભુલતા