દિવાળી બાદ લગ્નોની ધૂમ, નવેમ્બર-ડિસેમ્બરમાં 18 દિવસ બેન્ડ, બાજા ઓર બારાત
- દેવ ઉઠી એકાદશીએ તુલસી-શાલિગ્રામના વિવાહ બાદથી શુભ કાર્યોની શરૂઆત થશે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં 18 લગ્નના મુહૂર્ત છે
HD ન્યુઝ ડેસ્કઃ દેશભરમાં ધનતેરસથી લઈને ભાઈબીજ સુધીના તહેવારોની ઉજવણીની ધૂમ છે. બજારો સંપૂર્ણ રીતે તૈયાર છે. લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે. દેવઉઠી એકાદશી દિવાળી પછી એટલે કે 12મી નવેમ્બરે છે. આ દિવસે તુલસી-શાલિગ્રામના વિવાહ બાદથી શુભ કાર્યોની શરૂઆત થશે. આ વર્ષે નવેમ્બર-ડિસેમ્બરમાં 18 લગ્નના મુહૂર્ત છે. જાણો લગ્ન માટે કઈ તારીખો શુભ છે.
12 નવેમ્બરે ભગવાન જાગશે
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય કરતા પહેલા શુભ અને અશુભ સમયનું ધ્યાન રાખવું જરૂરી છે. દેવશયની એકાદશી 17મી જુલાઈ 2024ના રોજ હતી. આ દિવસથી ભગવાન વિષ્ણુ આગામી ચાર મહિના સુધી યોગ નિદ્રામાં ગયા હતા. જેના કારણે શુભ કાર્યો પર પ્રતિબંધ આવી જાય છે. 12મી નવેમ્બરે દેવઉઠી એકાદશી સાથે ભગવાન વિષ્ણુ જાગશે. આ દિવસથી લગ્નો સહિતના માંગલિક કાર્યોની શરૂઆત થશે.
16 ડિસેમ્બરથી ફરી એક મહિનાનો વિરામ
નવેમ્બર અને ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં લગ્ન મુહૂર્ત છે. આ પછી 16 ડિસેમ્બરથી સૂર્યના ધનુરાશિમાં પ્રવેશ સાથે કમુર્તા શરૂ થશે. કમુર્તા 15 જાન્યુઆરી 2025ના રોજ મકરસંક્રાંતિ સુધી ચાલશે. 15 જાન્યુઆરીએ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સાથે કમુર્તા સમાપ્ત થશે અને લગ્ન મુહૂર્ત ફરી શરૂ થશે.
લગ્નના મુહૂર્ત
હિન્દુ કેલેન્ડર મુજબ નવેમ્બરમાં લગ્નની ઘણી તારીખો આવી રહી છે. નવેમ્બરમાં લગ્ન માટે 11 શુભ દિવસો છે. નવેમ્બરમાં લગ્ન માટે શુભ મુહૂર્ત 12, 16, 17, 18, 22, 23, 24, 25, 28 અને 29 છે. ડિસેમ્બરમાં 2, 3, 4, 5, 9, 10, 11, 13, 14 અને 15 તારીખ શુભ છે.
આ પણ વાંચોઃ ધનતેરસ પર આ પાંચ વસ્તુઓ ખરીદવી અશુભ, આખું વર્ષ આવી શકે તકલીફો