મહાયુતિમાં ભંગાણ! રાજ ઠાકરે એકલા હાથે લડશે વિધાનસભા ચૂંટણી, ભાજપ-શિંદેને નુકસાન?
- મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી તેમની પાર્ટી 225થી 250 બેઠકો પર ચૂંટણી લડશે: રાજ ઠાકરે
મુંબઈ, 26 જુલાઈ: લોકસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની હાર બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેનું વલણ બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. મહારાષ્ટ્રમાં હવે થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરેએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે, મહારાષ્ટ્રની 288 બેઠકોમાંથી તેમની પાર્ટી 225થી 250 બેઠકો પર ચૂંટણી લડશે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, રાજ ઠાકરેની એકલા હાથે લડાઈ લડવાથી ભાજપ અને શિંદેને કેટલું નુકસાન થશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને NDAને બિનશરતી સમર્થન આપ્યા બાદ હવે રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. રાજ ઠાકરેએ ગુરુવારે મુંબઈમાં પાર્ટીની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. આ સાથે રાજ ઠાકરેએ સંભવિત ઉમેદવારોની ઓળખ માટે પાંચ નેતાઓની ટીમ પણ બનાવી છે. એટલું જ નહીં, રાજ ઠાકરે રાજ્યના પાર્ટી કાર્યકર્તાઓ પાસેથી ફીડબેક લેવા માટે 1 ઓગસ્ટથી મહારાષ્ટ્રનો પ્રવાસ પણ શરૂ કરવાના છે. MNS નેતા સંદીપ દેશપાંડેએ સ્પષ્ટ કર્યું કે, તેઓ મહાયુતિ ગઠબંધનના પ્રસ્તાવની રાહ જોઈ શકતા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત પવાર જૂથ) વચ્ચે બેઠકોની વહેંચણી પર હજુ સુધી કોઈ સહમતિ સધાઈ નથી.
વિપક્ષે કરી આકરી ટીકા
જો કે, વિપક્ષી પાર્ટીઓ MNSના બદલાયેલા વલણની ટીકા કરી રહી છે. શિવસેના (યુબીટી)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે, રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણીમાં NDAને સમર્થન આપ્યું હતું અને હવે તેઓ વિધાનસભામાં એકલા ચૂંટણી લડી રહ્યા છે. MNS એક ધારાસભ્યના બળ પર સત્તામાં આવવા આતુર છે. એવું લાગે છે કે તે મૂંઝવણમાં છે અને તેમણે સ્પષ્ટ કરવું જોઈએ કે તે ખરેખર શું કહેવા માંગે છે?
દરમિયાન, શિવસેના (શિંદે જૂથ)ના ધારાસભ્ય અને પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું કે, MNSએ મહાયુતિ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડવી જોઈએ સીટની વહેંચણી પર હજુ સુધી અંતિમ સહમતિ બની નથી અને જ્યારે ત્યાં સુધી પહોંચી જશે ત્યારે MNSને પણ પ્રસ્તાવ આપવામાં આવશે.
મહાયુતિ પાર્ટીઓ કેટલી સીટો પર ચૂંટણી લડી શકે છે?
મહારાષ્ટ્રમાં 288 બેઠકોમાંથી ભાજપ સૌથી વધુ બેઠકો પર ચૂંટણી લડશે. NCP (AP)ના વડા અજિત પવારે 80થી 90 બેઠકો પર ચૂંટણી લડવાનો દાવો કર્યો છે. જ્યારે શિવસેના (શિંદે જૂથ)ની નજર લગભગ 100 બેઠકો પર છે. તે જ સમયે, ભાજપે 160થી 170 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. આ બધા વચ્ચે MNSએ શક્ય તેટલી સીટો પર પોતાના દમ પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
હવે સવાલ એ છે કે, શું એકલા MNSના પ્રવેશથી ભાજપ અને શિંદેના રાજકીય સમીકરણને નુકસાન થશે. મરાઠી અને હિન્દુત્વ એ ત્રણેય પક્ષોનો કોમન એજન્ડા છે. આવી સ્થિતિમાં MNS એકલા જવાને કારણે મતોનું વિભાજન મોટી સમસ્યા સર્જી શકે છે.
આ પણ જૂઓ: મુંબઈના અટલ સેતુ પરથી યુવાને પડતું મૂક્યું, જુઓ આપઘાતનો Live વીડિયો