

પાલનપુર, હાલમાં અધ્યાપક સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ છે. જેમાં ખૂબજ પારદર્શક રીતે ઉમેદવારોના ઈન્ટરવ્યૂ થઈ રહેલ છે. ઉમેદવારોને સમયસર ઈન્ટરવ્યૂ કોલ ઓનલાઈન આપવામાં આવે છે. જેથી ઈન્ટરવ્યૂની ગુપ્તતા પણ જળવાઈ રહે છે. કમિશનર ઓફીસની ટીમ દ્વારા ઈન્ટરવ્યૂની કાર્યવાહી થઈ રહી છે. એવું ઉમેદવારો તરફથી જાણવા મળ્યુ છે. પરંતુ ઉમેદવારો ની રજુઆત છે કે, અધ્યાપક સહાયકના ઈન્ટરવ્યૂમાં જે કોલેજના ઈન્ટરવ્યૂ યોજવાના હોય છે, તે કોલેજના વિષય અને કેટેગરી પ્રમાણે ઈન્ટરવ્યૂ માટે મેરીટ પ્રમાણે 6 (છ) કે 6 થી વધુ ઉમેદવારોને ઈન્ટરવ્યૂ માટે ઈન્ટરવ્યૂ કોલ આપવામાં આવે છે. પરંતુ એ 6 (છ) કે 6 થી વધુ ઉમેદવારો પૈકી અમુક કોલેજમાં 2 અથવા 3 ઉમેદવારો કોઈ કોલેજમાં 1 ( એક ) ઉમેદવાર કોઈ કોલેજમાં એક પણ ઉમેદવાર ઈન્ટરવ્યૂ માટે હાજર રહેતા નથી, જેથી ઈન્ટરવ્યૂ કેન્સલ કરવો પડે છે અથવા 1,2,3 ઉમેદવારના જ ઈન્ટરવ્યૂ લેવાતાં હોવાથી તંદુરસ્ત હરીફાઈ થઈ શકતી નથી. આવા ઉમેદવારો પૈકી અમુક ઉમેદવારો તો નોકરી કરતા હોવાથી જાણી જોઈને ગેરહાજર રહેતાં હોય તેમ લાગે છે. જેથી કોલેજોને સારા ઉમેદવારોને પસંદગીની તક મળતી નથી.
ઈન્ટરવ્યૂમાં સતત ગેરહાજર રહેતા ઉમેદવારોની સંખ્યા પણ વધારે છે. આગામી વિવિધ ફેકલ્ટીઓના ઈન્ટરવ્યૂમાં આવું બનવાની સંભાવના નકારી શકાય નહિ. આવા સતત ગેરહાજર રહેતા ઉમેદવારો ભરતીના ઈન્ટરવ્યૂમાં અવ્યવસ્થા ઉભી કરે છે. આવા ઉમેદવારો ગેરહાજર રહીને ઈન્ટરવ્યૂના આયોજનને બદનામ કરવાની કોશિશ કરે છે. ભરતીમાં અમુક ઉમેદવારો ઈરાદા પૂર્વક સતત ગેરહાજર રહીને પોતાના નજીકના અથવા અંગત ઉમેદવારોને ચોક્કસ જગ્યાએ ગોઠવવામાં સફળ થતા હોય તેવું લાગી રહ્યું છે. આવા સતત ગેરહાજર ઉમેદવારોના કારણે નીચેનું મેરીટ ધરાવતા ઉમેદવારો ઈન્ટરવ્યૂથી વંચિત રહી જાય છે. તેમને જે -તે કોલેજમાં અધ્યાપક સહાયકના ઈન્ટરવ્યૂનો લાભ મળતો નથી.
મોટા ભાગના અઘ્યાપક સહાયકના ઉમેદવારોની રજુઆત કે આવા સતત ગેરહાજર રહેતા ઉમેદવારોને આ અધ્યાપક સહાયના ઈન્ટરવ્યૂમાંથી રિજેક્ટ (રદ્) કરી અને તેનાથી નીચેનું મેરીટ ધરાવતા 6 (છ)કરતાં વધુ ઉમેદવારો ઈન્ટરવ્યૂમાં હાજર રહે અને ઉમેદવારો વચ્ચે ઈન્ટરવ્યૂમાં તંદુરસ્થ હરીફાઈ થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવા રજુઆત કરેલ છે. અથવા આ ઈન્ટરવ્યું પ્રથા રદ્ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.