શરદ પવારના આકરા તેવર, NCPના બળવાખોરો વિરુદ્ધ અયોગ્યતાની અરજી દાખલ

મહારાષ્ટ્રમાં 2 જુલાઈ, રવિવારે NCP નેતા અજિત પવાર દ્વારા લેવામાં આવેલા રાજકીય પગલાએ બધાને ચોંકાવી દીધા છે. તેમણે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે તેમની આગામી રાજકીય ઇનિંગ શરૂ કરી છે, ત્યારબાદ કાકા શરદ પવારે સ્પષ્ટ કર્યું છે કે આ બળવો છે અને કહ્યું છે કે તેઓ બતાવશે કે એનસીપી કોની છે. દરમિયાન મહારાષ્ટ્ર એનસીપીના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે અજિત પવાર અને તેમની સાથે શપથ લેનારા એનસીપી નેતાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
9 NCP નેતાઓ વિરુદ્ધ અયોગ્યતાની અરજી દાખલ
પાટીલે કહ્યું કે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નવ સભ્યોએ રાજભવન જઈને પાર્ટીની નીતિ વિરુદ્ધ શપથ લીધા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારને અંધારામાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વતી મંત્રી તરીકે શપથ લેનારા 9 NCP નેતાઓને લઈને વિધાનસભાના અધ્યક્ષને અયોગ્યતાની અરજી મોકલવામાં આવી છે.
શપથ લીધા ત્યારે જ તેઓ (બળવાખોરો) ગેરલાયક ઠર્યા: NCP
પાટીલે કહ્યું કે, અમે કેન્દ્રીય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે અને તેમને મેઈલ પણ કર્યો છે. અમે 9 લોકો સામે કાર્યવાહીની માંગ કરી છે. બાકીના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ તેમના મતવિસ્તારમાં જશે ત્યારે અમારી સાથે પાછા આવશે.
એનસીપીના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ પાટીલે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે અયોગ્યતાની અરજી પર જલ્દી સુનાવણી કરીને અમારો પક્ષ તેમણે સમજવો જોઈએ.” વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે આ અંગે વહેલી તકે નિર્ણય લેવો જોઈએ. અમે તમામ કાયદાકીય પગલાં લીધા છે. તેમણે શપથ લીધા ત્યારે જ તેઓ ગેરલાયક ઠર્યા.
અજિત પવારે ભર્યું ચોંકાવનારું પગલું
મહારાષ્ટ્રના રાજકારણ માટે 2 જુલાઈનો દિવસ સુપર સન્ડે સાબિત થયો. એનસીપી નેતા અજિત પવારે તેમના નિવાસસ્થાને ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. અગાઉ સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્રમાં NCPના પ્રદેશ અધ્યક્ષ બનાવવા માટે આ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પાર્ટીના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુલે અને પ્રફુલ્લ પટેલ પણ હાજર રહ્યા હતા. પરંતુ આખી ઘટના થોડી જ વારમાં બદલાઈ ગઈ જ્યારે અજિત પવાર મીટિંગ છોડીને સીધા રાજભવન ગયા અને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લઈને શિંદે-ફડણવીસ સરકારમાં સામેલ થઈ ગયા. અજિત પવાર ઉપરાંત NCPના 8થી વધુ ધારાસભ્યોએ સત્તાધારી સરકારમાં જોડાઈને શપથ લીધા.
સૂત્રો મુજબ અજિત પવારે રાજ્યપાલને લખેલા પત્રમાં NCPના 40થી વધુ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. તે જ સમયે, ડેપ્યુટી સીએમના શપથ લીધા પછી આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે તમામ ધારાસભ્યો તેમની સાથે છે.
આ પણ વાંચો: અજિત પવારના બળવા મુદ્દે શરદ પવારે કરી પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કહ્યુ?