ભાજપ-કોંગ્રેસમાં મામલો બિચક્યોઃ ગુજરાતમાં લોકસભાની બે બેઠક પર નવાજૂનીના એંધાણ
અમદાવાદ, 19 માર્ચ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. ભાજપે 22 ઉમેદવારો જાહેર કર્યાં છે. જયારે કોંગ્રેસ દ્વારા માત્ર સાત જ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે.ત્યારે અમદાવાદ પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. જ્યારે વડોદરા બેઠક પર રંજનબેનને ત્રીજી વખત રિપીટ કરાતાં હોદ્દેદારોમાં ભારે નારાજગી હોવાનું જાણવા મળ્યું છે. આજે સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજીનામું ધરી દેતાં ભાજપમાં ભૂકંપ સર્જાયો હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે. સામાન્ય રીતે કોંગ્રેસ અને આમ આદમીના ધારાસભ્યો રાજીનામું આપે છે ત્યારે ભાજપના ધારાસભ્યના રાજીનામાથી લોકોમાં પણ ભાજપમાં ઉકળતો જૂથવાદ હોવાનો ગણગણાટ શરૂ થયો છે.
કોંગ્રેસના રોહન ગુપ્તા લોકસભાની ચૂંટણી નહીં લડે
કોંગ્રેસમાં પણ અમદાવાદ પૂર્વના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની તબિયતના બહાને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. સૂત્રોએ કહ્યું હતું કે, રોહન ગુપ્તા ચૂંટણી ન લડે તેટલા માટે ભાજપના જ એક ધારાસભ્યએ ખેલ પાડી દીધો હોવાનું ચર્ચાય છે. રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વમાંથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર થયા પછી તેમના સંપર્કમાં ભાજપના નેતાઓ હતા. એક ધારાસભ્યના મારફત રોહન ગુપ્તા સાથે વાતચીત ચાલતી હોવાનું ખુદ કોંગ્રેસના સુત્રો જણાવી રહ્યાં છે. કોંગ્રેસના અમદાવાદ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલ અને પ્રવકત્તા મનિષ દોશીએ કહ્યું હતું કે,તેમના પિતાની નાદુરસ્ત તબિયત હોવાથી સ્વાભાવિક રીતે તેઓ ચૂંટણી લડી શકે નહીં.
સંઘર્ષનાં સમયમાં આ નિર્ણય યોગ્ય ન કહેવાય
કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ HD ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,સોશિયલ મીડિયાના માધ્યમ થકી આ માહિતી અમારી પાસે આવી છે. રોહન ગુપ્તાના પિતાની તબિયત નાદુરસ્ત છે. ઉમેદવાર તો માત્ર વ્યવસ્થાનો એક ભાગ હોય છે. સાચી લડાઈ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ જ લડતા હોય છે. કોંગ્રેસના સંઘર્ષના સમયમાં આવો નિર્ણય કોઈપણ ઉમેદવાર કરે તો એ યોગ્ય ન કહેવાય. હવે અમદાવાદ પૂર્વમાં કોઈ લોકલ ઉમેદવાર મૂકવામાં આવશે કે કોઈ બહારના ઉમેદવારને ટિકિટ અપાશે તે અંગે તેમણે જણાવ્યું હતું કે આ વખતે કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા લેવાનું કામ નથી કર્યું આ વખતે કંઈક અલગ રીતે કોંગ્રેસના પાયાના કાર્યકરો પાસેથી અભિપ્રાય લઈ તેમજ કોંગ્રેસ પક્ષે તમામ સીટો પર સર્વે કરાવ્યા બાદ જ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પૂર્વ બેઠકને લઈને જે પણ ઉમેદવાર મુકાશે તે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક સાથે ચર્ચા કરીને હવે 48 કલાકની અંદર બીજા 18 નામોની યાદી જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકે ચૂંટણી લડવા તૈયારી બતાવી
કોંગ્રેસના સુત્રો એવું પણ જણાવે છે કે, અમદાવાદ પૂર્વની બેઠક જીતવા માટે ભાજપના જ એક નેતાએ રોહન ગુપ્તાનો ખેલ પાડ્યો છે. જેથી તેઓ આ બેઠક પરથી ખસી ગયા છે. આ બેઠક પર ગુજરાત કોંગ્રેસના પ્રવકતા અમિત નાયકે ભાજપના ઉમેદવાર સામે પૂરી તાકાતથી ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે.તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસનું હાઇકમાન્ડ મને મંજૂરી આપશે તો હું અમદાવાદ પૂર્વ બેઠક પર બીજેપી સામે પુરી તાકાતથી લડીશ. તેમણે આગળ લખ્યુ કે કોંગ્રેસનો એકએક કાર્યકર્તા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 2024ની ચૂંટણી દેશના ગરીબ, પીડિત, શોષિત, ખેડૂત અને યુવાનોના મુદ્દાઓ પર લડીશું. બીજી તરફ સુત્રો એવું કહે છે કે આ બેઠક પર કોંગ્રેસના પીઢ પ્રવક્તા હેમાંગ રાવલનું નામ મોવડી મંડળને મોકલવામાં આવ્યું છે. આજકાલમાં તેમના નામની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે.
વડોદરામાં ઉમેદવાર બદલાય તેવી શક્યતાઓ
ભાજપ દ્વારા વડોદરા લોકસભા બેઠક પર સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરવામાં આવતાં શહેર ભાજપના કેટલાક હોદ્દેદારો ભારે નારાજ છે, પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યાએ ટિકિટ ન મળતાં તેમણે પાર્ટીની પરવા કર્યા વગર જાહેરમાં આવી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી તેમજ તેમણે સાંસદ રંજનબેન ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતાં.જોકે ડો.જ્યોતિબેન પંડ્યાને તાત્કાલિક ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતાં, પરંતુ તેમને સસ્પેન્ડ કરી દેવાથી ભાજપમાં નારાજગી ઓછી થઈ ન હતી. અનેક હોદ્દેદારો દ્વારા પણ આંતરિક નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. કેટલાક હોદ્દેદારો દ્વારા પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના હોદ્દેદારોને ટેલિફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી. પરિણામે હાઈકમાન્ડને પણ વડોદરા લોકસભા બેઠક પર ઉમેદવાર બદલવા માટે વિચાર કરવા મજબૂર કરી દીધો છે. આજે દિલ્હીમાં ભાજપની પાર્લમેન્ટરી બોર્ડની બેઠક યોજાવાની છે. ત્યારે વડોદરા બેઠક પર થયેલ રાજકીય ભૂકંપ બાદ પક્ષ ઉમેદવાર બદલશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સાવલી તા.પંના પ્રમુખ-ઉપપ્રમુખ તથા કારોબારી ચેરમેનના રાજીનામા
કેતન ઇનામદારે વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું ઇમેલ કર્યા બાદ તેમના સમર્થનમાં સાવલી તાલુકાના 15 જેટલા સરપંચોએ રાજીનામાં આપી દીધા છે.તેમજ તાલુકા પંચાયતના સભ્યો,યુવા મોરચો,સહિત અગ્રણી હોદ્દેદારો પદ પરથી રાજીનામાં પડી રહ્યા છે. સાવલી તાલુકા પંચાયતન પ્રમુખ ગીતાબેન સોલંકી, ઉપપ્રમુખ વાલજીભાઈ રબારી અને કારોબારી ચેરમેન અર્જુન સિંહ પરમારે રાજીનામા આપી દીધા છે. કાર્યકરો કહી રહ્યા છે કે,5000થી વધુ કાર્યકરો રાજીનામા ધરી દેશે. સાવલી ભાજપ ખાલી થઈ જશે.કમલમ આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે, નારાજગી તો ગમે તેને હોય, નારાજગી તો ગમે તે માણસને હોય શકે. પાર્ટી નીતિ નિયમો પ્રમાણે ચાલે છે. ઉમેદવારોની પસંદગી પાર્ટી નક્કી કરે કોઈ ધારાસભ્ય થોડા કરે.
આ પણ વાંચો-પશુપતિ પારસનું મોદી કેબિનેટમાંથી રાજીનામું, કહ્યું- ‘અન્યાય થયો’