ઉત્તર ગુજરાતગુજરાત

વિવાદિત બગીચો : હાઇકોર્ટના આદેશ બાદ ખુલ્લો મુકાયો

Text To Speech
  • પાંચ વર્ષ અગાઉ બનેલો બગીચો સરકારી જમીનમાં હોવાથી કલેકટરે સ્ટે આપ્યો હતો
  • બગીચો ખોલાવવાનો જશ લેવા હોડ જામી

પાલનપુર : ડીસાના હવાઈ પીલ્લર મેદાન પાસે પાંચ વર્ષ અગાઉ બનાવેલો નાનાજી દેશમુખ બાગ અનેક વિવાદમાં સપડાયા બાદ આજે હાઇકોર્ટના આદેશથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જાગૃત નાગરિકોના પ્રયાસથી ખુલ્લા મુકાયેલા બાગનો જશ લેવા રાજકીય પાર્ટીઓમાં હોડ જામી હતી. ડીસાના હવાઈ પિલર મેદાનની બાજુમાં બે એકર ઉપરાંત જમીનમાં રૂપિયા અઢી કરોડના ખર્ચે ડીસા શહેરની પ્રજા માટે પાલિકાના તત્કાલીન પ્રમુખ પ્રવીણભાઈ માળી અને તેમની ટીમ દ્વારા સુંદર બગીચાનું નિર્માણ કરાયું હતું.

જોકે આ બગીચો સરકારી જમીનમાં હોઇ બગીચો બનાવવા પૂર્વે સરકારની કોઈ મંજૂરી લીધી ન હોવાથી બગીચાનું ઉદ્ઘાટન કરવાના આગળના દિવસે જ તત્કાલીન કલેકટરે બગીચા પર સ્ટે મૂકી દીધો હતો. જોકે બગીચાના સ્ટે પાછળ ભાજપનો આંતરિક વિખવાદ જવાબદાર હોવાનું ચર્ચામા રહ્યું હતું. સ્ટે ના કારણે રૂપિયા અઢી કરોડના ખર્ચે બનેલો બગીચો ઉજ્જડ અને વેરાન બની ગયો હતો.

ત્યારબાદ ડીસાના જાગૃત નાગરિકો સુભાષ ઠક્કર વગેરેએ હાઇકોર્ટમાં બગીચો ખોલાવવા અપીલ કરી હતી. જ્યારે ધારાસભ્ય શશીકાંત પંડ્યા, નગરપાલિકાના ગત બોર્ડના પ્રમુખ શિલ્પાબેન માળી, બાંધકામ સમિતિના ચેરમેન રાજુભાઈ ઠાકોરે સરકારમાં પણ રજૂઆત કરી હતી.

જેમાં હાઈકોર્ટે તા.22 ઓગષ્ટના રોજ બગીચો ખુલ્લો કરવા આદેશ કર્યો હતો. જોકે તેમ છતાં નાયબ કલેકટર કે ચીફ ઓફિસરે બગીચો ખુલ્લો ન મુકતા જાગૃત નાગરિકોએ કોર્ટ ઓફ કન્ટેન્ટ કરવાની અરજી કરી હતી. ત્યારબાદ આજે ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર,શહેર ભાજપ પ્રમુખ પ્રતીક પઢીયાર, મહામંત્રી રાકેશ પટેલ,હકમાજી જોશી સહિત પાલિકાના સદસ્યો ની ઉપસ્થિતિમાં બગીચાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Back to top button