ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલશ્રી રામ મંદિર

અયોધ્યાનું આમંત્રણ ઠુકરાવ્યા બાદ કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી

નવી દિલ્હી, 11 જાન્યુઆરી: કોંગ્રેસના હાઈકમાન્ડે રામ મંદિરના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે, ત્યારબાદ પાર્ટીમાં અંદરોઅંદર મતભેદ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓએ આમંત્રણ નકારવાના નિર્ણય સામે ખુલ્લેઆમ વિરોધ કરવાનું શરૂ કર્યું છે. સૌ પ્રથમ આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે આ નિર્ણયને કોંગ્રેસ માટે આત્મઘાતી ગણાવ્યો હતો, હવે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ કોંગ્રેસ હાઈકમાન્ડના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. મોઢવાડિયાએ કહ્યું છે કે આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો મામલો છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેરે પણ હાઈકમાન્ડને સલાહ આપી છે કે તેમણે જનતાની લાગણીનું સન્માન કરવું જોઈએ. દિગ્વિજય સિંહે રામ મંદિરમાં અભિષેકની પ્રક્રિયા પર સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે શંકરાચાર્યોની ઈચ્છા મુજબ નથી થઈ રહ્યું, બીજેપી તેમનું અપમાન કરી રહી છે.

ગુજરાત કોંગ્રેસના ઘણા કાર્યકરો નિરાશ – અંબરીશ ડેર

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેરે લખ્યું કે, મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ છે, તેથી સ્વાભાવિક છે કે ભારતભરના અસંખ્ય લોકોની આસ્થા વર્ષોથી આ નવનિર્મિત મંદિર સાથે જોડાયેલી છે. કોંગ્રેસના કેટલાક લોકોએ આ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ. આવા નિવેદનો મારા જેવા ગુજરાત કોંગ્રેસના ઘણા કાર્યકરો માટે નિરાશાજનક છે.

કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વચ્ચે અસંતોષની લહેર

યુપી કોંગ્રેસના પ્રમુખ અજય રાયે એ સુનિશ્ચિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો કે પાર્ટી રામ વિરોધી ન દેખાય, તેથી તેમણે 22 જાન્યુઆરીને બદલે 15 જાન્યુઆરીએ દર્શનની જાહેરાત કરી છે. તો બીજી તરફ, કોંગ્રેસ હાઈકમાન્ડ અયોધ્યાના આમંત્રણને નકારી રહ્યું છે. સાથોસાથ મધ્યપ્રદેશમાં પૂર્વ સીએમ કમલનાથના પુત્ર નકુલ નાથ એવા પ્રચારમાં વ્યસ્ત છે જે પાર્ટીની વિચારધારા મુજબ નથી. વીડિયો રિલીઝ કરતી વખતે નકુલ નાથે લખ્યું કે, છિંદવાડા રામના 4 કરોડ 31 લાખ નામ લખીને ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. બીજી તરફ, આજે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સાથે નકુલ નાથ હનુમાન મંદિર પહોંચ્યા અને પત્રિકામાં રામનું નામ લખ્યું. નકુલ નાથે કહ્યું કે, હું તમને બધાને આ ઐતિહાસિક કાર્યમાં ભાગ લેવા અને પુણ્ય લાભ મેળવવા માટે અપીલ કરું છું.

જયરામ રમેશે પત્ર જારી કર્યો હતો

કોંગ્રેસના ટોચના નેતાઓએ 10 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહ માટેના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, વર્તમાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, તેમાંથી કોઈ પણ 22 જાન્યુઆરીએ અયોધ્યા નહીં જાય. આ નિર્ણય લેવામાં ત્રણેય નેતાઓને બે અઠવાડિયાથી વધુ સમય લાગ્યો હતો.

‘કોંગ્રેસના નેતાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે’

જ્યારે કોંગ્રેસે અયોધ્યાના આમંત્રણને નકારવાના હાઈકમાન્ડના નિર્ણય પર આંગળી ચીંધવાનું શરૂ કર્યું, ત્યારે દિગ્વિજય સિંહ ડેમેજ કંટ્રોલ માટે આગળ આવ્યા હતા. દિગ્વિજય સિંહે માત્ર બચાવની રણનીતિ જ અપનાવી ન હતી, પરંતુ વિવાદને વળાંક આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. દિગ્વિજયે કહ્યું કે રામ મંદિર અમારા દાનથી બની રહ્યું છે. આપણા શંકરાચાર્યનું અપમાન થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી અપમાન થઈ રહ્યું છે.

પહેલા સીપીએમ, પછી અખિલેશ યાદવે અને હવે કોંગ્રેસે અયોધ્યાના આમંત્રણને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. જેને લઈ ભાજપ પાર્ટી વળતો પ્રહાર કરી રહી છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત,  મનોજ તિવારીએ સોનિયા ગાંધીને રામ ભજન ગાવાની સલાહ આપી. ભાજપના હુમલા વચ્ચે કોંગ્રેસના ઘણા નેતાઓ આ મુદ્દે ખુલીને બોલવાનું ટાળી રહ્યા છે.

આ પણ વાંચો: રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાબતે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયાએ આપ્યુ મોટું નિવેદન

Back to top button