તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ હાલમાં જ કહ્યું હતું કે 2022માં દર્શકોને દયાભાભીનું પાત્ર અચૂક જોવા મળશે. જોકે, શોમાં દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે અંગે તેમણે કંઈ જ કહ્યું નહોતું. હવે દિશા વાકાણી અંગે નવા સમાચાર આવ્યા છે. દિશા વાકાણી બીજીવખત માતા બન્યા છે. દિશા વાકાણીએ થોડાં દિવસ પહેલાં જ પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચારની પુષ્ટિ તેમના ભાઈ મયૂર વાકાણીએ કરી છે. મયૂર વાકાણી બીજી વખત મામા બની ગયા છે અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે.
સુંદરલાલે શું કહ્યું?
તારક મહેતા શોમાં સુંદરલાલના પાત્રમાં જોવા મળતા મયૂર વાકાણીને પણ લોકો ખુબ પસંદ કરે છે. મયૂર વાકાણી સ્ક્રીન પર દયાબેનના ભાઈની ભૂમિકામાં જ જોવા મળે છે પરંતુ તે રિયલ લાઇફમાં દિશા વાકાણીનો સગો ભાઈ છે. મયૂર બીજીવાર મામા બન્યા બાદ ખુબ ખુશ છે. મીડિયા વાત કરતા મયૂરે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમના પ્રમાણે- 2017માં દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે તે બીજીવાર માતા બની છે અને હું મામા. જેનાથી પરિવારજનોમાં ખુશીનો માહોલ છે.
2017થી દયાબેન સીરીયલમાંથી છે ગાયબ
તારક મહેતા શોમાં દયાબેનની ભૂમિકામાં જોવા મળતા દિશા વાકાણીએ 2017માં મેટરનિટી લીવ લીધી હતી. ત્યારબાદથી તેઓ શોમાં પરત ફર્યા નથી. તો શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યુ હતુ કે આ વર્ષે દયાબેનના પાત્રની વાપસી થઈ જશે. પરંતુ તેમણે તે જણાવ્યું નથી કે આ પાત્ર માટે દિશા વાકાણી વાપસી કરશે કે કોઈ અન્ય આ ભૂમિકામાં જોવા મળશે. હવે દિશા વાકાણીના બીજીવાર માતા બનવાના સમાચાર સામે આવતા નક્કી થઈ ગયું કે તે શોમાં પરત ફરવાના નથી. હવે તેમની જગ્યાએ દયાબેનની ભૂમિકામાં અન્ય કોઈ જોવા મળી શકે છે.
દિશાએ 2015માં લગ્ન કર્યા હતા
દિશા વાકાણીએ મુંબઈના CA મયુર પડિયા સાથે 2015માં 24 નવેમ્બરે લગ્ન કર્યા હતા. દિશાએ 2017માં નવેમ્બરમાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો.