હિમાચલ પ્રદેશ ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ પ્રિયંકા ગાંધીની કોંગ્રેસમાં સક્રિયતા અંગે ચર્ચાઓ શરૂ
હિમાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલની સાથે જ પ્રિયંકા ગાંધીને લઈને કોંગ્રેસના એક વર્ગમાં નવી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષોમાં પ્રિયંકા ગાંધી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીના આ નવા રાજકીય પ્રવાસની વધુ ચર્ચા હિમાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ બાદ થવા લાગી છે.
હિમાચલ પ્રદેશમાં મહત્તમ સંખ્યામાં રેલીઓ, જાહેર સભાઓ યોજી
ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૌથી મોટા ચહેરા પૈકીના એક પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશમાં મહત્તમ સંખ્યામાં રેલીઓ, જાહેર સભાઓ યોજી અને જનતા સાથે સીધો સંવાદ કર્યો હતો. રાજકીય જાણકારોનું કહેવું છે કે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની કમાન સંભાળ્યા બાદ પ્રિયંકા ગાંધી જે રીતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે બધુ પૂર્વનિર્ધારિત રીતે થઈ રહ્યું છે. જેમાં પ્રિયંકા ગાંધીને હિમાચલ પ્રદેશની ચૂંટણીને એક રીતે સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ચૂંટણીઓમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા મહત્વની છે
આ અંગે રાજકીય વિશ્લેષક હરિઓમ ઠાકુરનું કહેવું છે કે અત્યારે તો ગુરુવારે આવનારા પરિણામો નક્કી કરશે કે હિમાચલ પ્રદેશમાં કોને કેટલી સીટો મળશે. પરંતુ એક્ઝિટ પોલના અનુમાનમાં હિમાચલ પ્રદેશમાં જોરદાર લડાઈ જોવા મળી રહી છે. ઠાકુર કહે છે કે, આ મજબૂત લડાઈમાં સૌથી મહત્વની બાબત એ છે કે પ્રિયંકા ગાંધીની મહેનત બાદ હિમાચલમાં કોંગ્રેસના વોટ શેરમાં જે વધારો થયો છે તેને ઓછો આંકી શકાય તેમ નથી. હિમાચલમાં યોજાયેલી ચૂંટણી બાદ પ્રિયંકા ગાંધીના સમગ્ર રાજકીય કદની માત્ર કોંગ્રેસમાં જ નહીં પરંતુ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થઈ રહી છે.