એક તરફ મફત…મફતની લ્હાણી…બીજી તરફ દિલ્હીમાં જ આયુષ્માન યોજનાનો અમલ નહીં
વિધાનસભાની ચૂંટણી નજીક જોતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવીને રોજ-રોજ નવી ગેરંટીઓ આપી રહ્યાં છે. ગુજરાતમાં મફત સારવારની જાહેરાત કરનાર કેજરીવાલના દિલ્હીમાં આયુષ્યમાન ભારત યોજનાનો અમલ થતો ન હોવાનો એક આરટીઆઈમાં ખુલાસો થયો છે. જેની સાથે જ ફરી એકવાર આમ આદમી પાર્ટી નેતાની નીતિઓ સામે સવાલ ઊઠી રહ્યા છે.
દેશમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ. 5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળે છે. આ યોજનાની અમલવારી દિલ્હીમાં ન થતાં ગુજરાત ભાજપના નેતાઓએ સવાલો કર્યા છે કે કેન્દ્ર દ્વારા લોકો માટે મફતની સારવારની યોજના ચાલે છે. જેનો દિલ્હીવાસીઓને લાભ નથી આપતા અને ગુજરાતમાં મફતની સારવારની લ્હાણીના દાવાઓ કરી રહ્યાં છે.
દિલ્હી અને પંજાબમાં આયુષ્માન ભારત યોજનાને સંપૂર્ણ નકારી
દિલ્હીની રાજ્ય સરકારે આ યોજનાને સંપૂર્ણ નકારી કાઢી છે. જોકે, દિલ્હીમાં આયુષ્માન ભારતની દ્રષ્ટિએ રાજ્ય સરકાર પાસે કોઈ યોજના નથી. દિલ્હી સરકારનું માનવું છે કે કેન્દ્રની આ યોજનાથી રાજ્યના માત્ર 3 ટકા વસ્તીને આ યોજનાનો લાભ મળશે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, માત્ર 6 લાખ પરિવારોને આ યોજનાનો લાભ મળી શકશે. પંજાબ સરકારે પણ દિલ્હીની સરકાર જેવું જ ઉદાહરણ આપી આ યોજનાને નકારી કાઢી છે.