ગુજરાતમાં સાડા ચાર લાખ લાભાર્થીઓને 200 કરોડ કરતાં વધુ સહાયનું વિતરણ
- ગાંધીનગર ખાતે ૭મી ઓક્ટોબરે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કરાશે વિતરણ
- ૪.૬૧ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૨૨૪ કરોડથી વધુની સહાયનું થશે વિતરણ
ગાંધીનગર: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આગામી તા. ૭ ઓક્ટોબરના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લોન તેમજ સહાય વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને તથા રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ૪.૬૧ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૨૨૪ કરોડથી વધુની સહાયનું વિતરણ કરાશે.
નવ જિલ્લાના લાભાર્થીઓને રૂ. ૨૨૪ કરોડથી વધુની સહાયનું વિતરણ
કાર્યક્રમમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ મળી નવ જિલ્લાના ૪.૬૧ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૨૨૪ કરોડથી વધુની લોન તેમજ સહાય વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના સીધા ધિરાણના ૯૪૧ લાભાર્થીઓની ઓનલાઈન ડ્રો મારફતે પસંદગી પણ કરવામાં આવશે. સામાજિક સમરસતા દ્વારા કલ્યાણ રાજ્યના સિધ્ધાંતને સાર્થક કરવા કેન્દ્ર સરકાર અને સંવેદનશીલ રાજ્ય સરકારે પ્રજાના ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે.
સમારોહમાં કુંવરબાઇનું મામેરૂ યોજના, સાતફેરા સમુહ લગ્ન સહાય, ડો.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન પ્રોત્સાહક યોજના, વિદેશ ઉચ્ચ અભ્યાસ અર્થે લોન, આવાસ યોજના તથા વિવિધ નિગમોની સીધાધિરાણ યોજના તેમજ સ્વરોજગારલક્ષી લોન યોજના સહિતની વિવિધ યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવશે. જેમાં અનુસૂચિત જાતિના ૧,૨૩૯ લાભાર્થીઓને રૂ. ૫.૨૮ કરોડ, વિકસતી જાતિના ૪,૬૮૯ લાભાર્થીઓને રૂ. ૩૯.૭૮ કરોડની સહાયનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત સમાજ સુરક્ષા હેઠળની દિવ્યાંગ લગ્ન સહાય, સંત સુરદાસ, નેશનલ ડિસેબિલીટી પેન્શન, દિવ્યાંગોને એસ.ટી.માં મફત મુસાફરી, મનો દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક સહાય, પાલક માતા-પિતા, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ ૪,૫૫,૫૩૧ લાભાર્થીઓને રૂ. ૧૭૯.૬૩ કરોડ મળી કુલ રૂ.૨૨૪ કરોડથી વધુની સહાયનું વિતરણ કરવામાં આવશે.
આ પણ વાંચો : ભારતે તૈયાર કરી ડ્રોન-વિરોધી સિસ્ટમ, દુશ્મનના ડ્રોન સંચારને જામ કરવામાં મદદ મળશે