ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠાઃ ડીસાના માલગઢના ખેડૂતની ભૂગર્ભ જળસંચયની આગવી પહેલ

Text To Speech

પાલનપુર- 28 ઓગસ્ટ 2024, બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ભૂગર્ભ જળ સંચય માટેનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત ડીસા તાલુકાના ખેડૂતો જુના કુવા અને ટ્યુબવેલ આધુનિક પદ્ધતિથી ભૂગર્ભ રિચાર્જ કરવા માટે સંકલ્પબદ્ધ થયા છે.મનરેગા હેઠળ મળતી જળસંચય માટેની આર્થિક સહાય થકી ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂતે જળસંચયની આગવી પહેલ કરી છે. ઘનશ્યામ ભાઈ માળીએ પોતાના ખેતરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે એક તરફી ઢાળ કરી વહી જતા જળનો કૂંડીમાં સંગ્રહ કર્યો છે અને આ કુંડી દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારી બોર રિચાર્જનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. જે કામ બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે.

ખેતરમાં ૯ બાય ૯ ની એક કુંડી બનાવી
ઘનશ્યામ ભાઈ માળીએ પોતાના ખેતરમાં ૯ બાય ૯ ની એક કુંડી બનાવી છે. જેમાં વરસાદનું વહી જતું પાણી સંગ્રહ થાય છે. કુંડીની ફરતે તેમણે લોખંડનું એવું સ્ટ્રકચર બનાવ્યું છે જેનાથી પાણી સાથેનો કચરો કૂંડીમાં જાય નહીં અને પાણી ફિલ્ટર થઈ છસો ફૂટ ઉંડી કૂંડીમાં સંગ્રહિત થાય. વધુમાં તેમણે કૂંડીમાં નાના મોટા પથ્થરો અને રેતીનું પડ બનાવ્યું છે. જેથી વરસાદી પાણી સાથે આવતી ગંદકી કે કચરો ભૂગર્ભમાં સંગ્રહ થાય નહિ. આ કુંડી બનાવવા માટે સરકાર દ્વારા તેમને મનરેગા ના કામ હેઠળ ચાલીસ હજાર રૂપિયાની સહાય મળી છે.

ટ્યૂબવેલ રિચાર્જ થતા આવનારા સમયમાં પાણીના તળ ઊંચા આવશે
ડીસા તેમજ આજુબાજુના મોટાભાગના વિસ્તારોમાં પાણીના તળ ઊંડે ગયા છે. જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘનશ્યામ ભાઈની પ્રેરણાથી અન્ય ખેડૂતો પણ ભૂગર્ભ જળસંચય માટેની આ પદ્ધતિ અપનાવી પોતાના ખેતરનું વહી જતું વરસાદી પાણી સંગ્રહ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. જળસંચય માટે ખેડૂતોને મનરેગા હેઠળ સરકારી સહાય મળી રહી છે. સરકારની સહાય અને ખેડૂતોની જળસંચય માટેની કટિબદ્ધતાથી ખેતરમાં બોર અને ટ્યૂબવેલ રિચાર્જ થશે. જેના થકી આવનારા સમયમાં પાણીના તળ ઊંચા આવશે અને તેમની સિંચાઈ માટે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

આ પણ વાંચોઃ ડીસામાં 14 વર્ષ અગાઉ મંદિરમાંથી ચોરી થયેલ મુદ્દામાલ પોલીસે પરત કર્યો

Back to top button