ઉત્તર ગુજરાતગુજરાતટ્રેન્ડિંગ

ડીસાની 20 સોસાયટીને ડીપી રોડના પ્રશ્ને લાંબી લડત બાદ ન્યાય મળ્યો

  • ડીપી રોડ રાખવા સરકારે પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું
  • પાલિકાથી લઈને સરકાર સુધી રહીશોએ વારંવાર કરી હતી રજૂઆત

પાલનપુર : ડીસા શહેરના વોર્ડ નંબર 2માંથી પસાર થતો સો ફૂટના ડીપી રોડના મુદ્દે રહીશોને અંદાજે આઠ વર્ષના સંઘર્ષ પછી ન્યાય મળતા આ વિસ્તારના લોકોમાં ખુશીની લહેર પ્રસરી છે. જેમાં રાજ્ય સરકારે પ્રાથમિક નોટિફિકેશન બહાર પાડતા રહીશોએ ફટાકડા ફોડી, મીઠાઈ વહેચીને ખુશી વ્યક્ત કરી હતી, અને સરકારનો આભાર માન્યો હતો.

ડીસા શહેરના વિકાસ માટે રસ્તા વાળા કરવા પડે, અહીંયા ઉલટું થઈ રહ્યું હતું. રોડ રદ કરાવવા એક લોબી સક્રિય થઈ ગઈ હતી. જેમાં વોર્ડ નંબર 2માં આવેલા સર્વે નંબર 102, 103, 104 અને 106માંથી પસાર થતા સો ફૂટના ડીપી રોડને રદ કરાવવા માટે બિલ્ડર લોબી દ્વારા કારસો રચાયો હતો અને વિવાદ થતા આ વિસ્તારના લોકોને  સંઘર્ષ કરવો પડ્યો હતો. આ વિવાદ અંદાજે છેલ્લા આઠેક વર્ષથી ચાલી રહ્યો હતો. આ વિસ્તારમાં આવેલા ગુલબાની નગર ભાગ ૧ અને ૨ , સ્નેકુંજ સોસાયટી, પુણ્ય નગરી, કુમારપાળ, નેમ રાજુલ સોસાયટી, નવજીવન સોસાયટી, પીપાજીનગર, સુકન બંગલોઝ અને બેકરી કુવાવાળા વિસ્તાર સહિત 20થી વધુ સોસાયટીના પાંચથી સાત હજાર લોકોને સ્પર્શતો આ પ્રશ્ન હતો.  ત્યારે આ ડીપી રોડને યથાવત રાખવા માટે વિસ્તારના રહીશોએ અનેક વખત રેલીઓ પણ કાઢી હતી અને પાલિકાથી માંડીને કલેકટર સુધી અને રાજ્ય સરકાર સુધી પણ રજૂઆતો કરી હતી. તે દરમિયાન રહીશોને કાનૂની જંગનો પણ સામનો કરવો પડ્યો હતો. જ્યારે આ વિસ્તારના રહીશોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને તત્કાલીન ડીસા નગરપાલિકાના ભાજપની બોડીના પ્રમુખ અને હાલના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જનહિતમાં ડીપી રોડની આવશ્યકતા સમજીને રોડ યથાવત રહે તે માટે ઠરાવ કર્યો હતો, છતાં રહીશોને લાંબો કાનૂની જંગ લડવો પડ્યો હતો. છેવટે આ વિસ્તારના રહીશોની માંગણી અને લાગણીને ધ્યાને લઇ રાજ્ય સરકારે આ ડીપી રોડ માટે પ્રાથમિક જાહેરનામું બહાર પાડયું હતું.

રહીશોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

રાજ્ય સરકારે પ્રાથમિક જાહેરનામુ બહાર પાડતા જ અહીંની વીસથી વધુ સોસાયટીના રહીશોએ બુધવારે રાત્રે બેઠક બોલાવીને રાજ્ય સરકારના આ પગલાને આવકારી ફટાકડા ફોડીને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી અને રાજ્ય સરકાર તેમજ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો.

disa-dp road-hdnews

આખરે સત્યનો વિજય થયો

રહીશોએ જણાવ્યું કે, અમારા વિસ્તારની આજુબાજુ વીસથી વધુ સોસાયટી તેમજ આજુબાજુના લોકોને રસ્તા અંગેનો આ મહત્વનો પ્રશ્ન તેમને સીધો સ્પર્શતો હતો. જેના માટે અનેકવાર સંઘર્ષ કરવો પડ્યો હતો. છેવટે સત્યનો વિજય થયો છે. જાહેરનામું બહાર પડતાં અમે રાજ્ય સરકાર અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button