ડીસાઃ બનાસ પુલના નવા ઓવરબ્રિજ પર બાઇક બેરીકેટીંગ સાથે ટકરાતાં યુવકનું મૃત્યુ
- ગામ અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો
- પિતાએ પુત્રની છત્રછાયા ગુમાવી
- ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી
પાલનપુર 14 ફેબ્રુઆરી :ડીસામાં ગત મોડી રાત્રે બનાસ નદી પર બનેલા નવા ઓવરબ્રિજ પર બેરીકેટીંગ સાથે ટકરાતાં બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે ગામ અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. આ બનાવને પગલે ડીસા તાલુકા પોલીસે લાશને પી.એમ. અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના નાની આખોલ ખાતે આવેલ ફાર્મ હાઉસમાં રહેતાં યોગેશ કાન્તીભાઇ યાદવ (ક્ષત્રિય) (ઉં.વ.આ. 32) હાઇફન બટાકાની કંપનીમાં ફીલ્ડ ઓફીસર તરીકે ફરજ બજાવતા હતા અને તેઓને અવાર-નવાર ગામડાઓમાં જઇ ખેતરોમાં બટાકાની વિઝીટ કરવાની હોય છે. તે દરમિયાન તેઓ ગઇકાલે તેમના કાકાના દીકરા શૈલેષભાઇ યાદવ સાથે ખેતરોમાં જઇ બટાકાની વિઝીટ કરી મોડી સાંજે ઘર તરફ પરત આવી રહ્યા હતા અને બનાસ નદી પર બનેલા નવા ઓવરબ્રિજને ટેસ્ટિંગ માટે ખુલ્લો મૂકાતાં તેના પરથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પૂરપાટઝડપે અપાચી બાઇક નં. GJ-08-BG-4463 પર પસાર થઇ રહેલા યોગેશ યાદવ ઓવરબ્રિજ પર મૂકેલ બેરીકેટીંગ સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો અને બાઇક ચાલક રોડ પર પટકાતાં તેમને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તે સમયે અન્ય બાઇક પર તેમની પાછળ આવી રહેલા તેમના કાકા દીકરા શૈલેષભાઇએ તાત્કાલીક ઇજાગ્રસ્ત યોગેશભાઇને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ ઇજાગ્રસ્તને મૃત જાહેર કર્યો હતો. આ અકસ્માત અંગે મૃતકના કાકાના દીકરાએ ફરિયાદ નોંધાવતાં ડીસા તાલુકા પોલીસે લાશને પી.એમ. અર્થે ખસેડી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પિતાનો એકનો એક લાડકવાયો છીનવાયો
ડીસાના નવા ઓવરબ્રિજનું શરૂઆત પહેલાં જ આશાસ્પદ યુવકનું મોત નિપજ્યું છે. ત્યારે પિતાનો એકનો એક લાડકવાયા દીકરાનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ત્યારે ગામ અને પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. ત્યારે યાદવ સમાજમાં ઘેરા શોકની કાલીમાં પ્રસરી ગઇ હતી.
ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી
ડીસાના નાની આખોલ ખાતે રહેતાં યોગેશ કાન્તીભાઇ યાદવ (ક્ષત્રિય) (ઉં.વ.આ. 32) ડીસાથી ઘર તરફ જઇ રહેલા બનાસ પુલના નવા ઓવરબ્રિજ પર બેરીકેટીંગ સાથે ટકરાતાં મોતને ભેટ્યા હતા પરંતુ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જેમાં બે બાળકી અને એક બાળક એમ પરિવારમાં ત્રણ સંતાનો હતા. જેમાં આકસ્મિક મોતથી પિતાની છત્રછાયા ગુમાવી છે.
આ પણ વાંચો : જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાના સુચારુ સંચાલન માટે 13 સમિતિની રચના