ડીસા: વિદ્યાર્થિનીઓ શિક્ષક વિના અભ્યાસ કરવા મજબુર, રજૂઆતો બાદ ધરણાં પર બેઠી
પાલનપુર : બેટી બચાવો બેટી પઢાવો સરકારના આ સ્લોગનની પોલ ખોલતી ઘટના બનાસકાંઠાના ડીસામાં બની છે. ડીસા નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કૂલમાં છેલ્લા દોઢ વર્ષથી શિક્ષક વગર વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. વારંવાર રજૂઆત બાદ પણ તંત્રએ વાત ધ્યાને ન લેતા આજે કંટાળેલી વિદ્યાર્થિનીઓએ નગરપાલિકા કચેરીમાં જઇ ધરણાં પર બેસી ગઈ હતી.
ડીસા નગરપાલિકા સંચાલિત ગર્લ્સ હાઇસ્કૂલ આવેલી છે. જેમાં ધોરણ 11 અને 12 કોમર્સ, આર્ટસમાં અંદાજિત 300 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે, પરંતુ આ ગર્લ્સ હાઇસ્કૂલમાં વિદ્યાર્થિનીઓને ભણાવવા માટે અંગ્રેજી માધ્યમના શિક્ષક જ નથી અને તે પણ છેલ્લા દોઢ વર્ષથી. 11 માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓનું 12મું ધોરણ પૂરું થવા આવ્યું છતાં પણ સંચાલક મંડળ અંગ્રેજી ભણાવી શકે તેવા શિક્ષકની વ્યવસ્થા ન કરી શક્યું. જેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે. વિદ્યાર્થિનીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્રએ તેમની વાત ધ્યાન ન લેતા આજે કંટાળેલી વિદ્યાર્થિનીઓ નગરપાલિકા કચેરીએ પહોંચી ગઈ હતી. શિક્ષણ સમિતિના ચેરમેનને ઉગ્ર રજૂઆત કર્યા બાદ ધરણા પર બેસી ગઈ હતી. વિદ્યાર્થીઓની માંગ છે કે, જ્યાં સુધી શિક્ષક મૂકવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ધરણાં ચાલુ રાખશે.
આ અંગે વિદ્યાર્થિની નિશા ઠાકોર અને અંજલી ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ બે વર્ષથી ગર્લ્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે, પરંતુ હજુ સુધી અંગ્રેજી ભણાવી શકે તેવા શિક્ષક જ શાળામાં નથી. જેથી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓનીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે. શિક્ષક માટે તેમણે વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી વ્યવસ્થા થઈ નથી અને હવે તો બારમાં ધોરણની વાર્ષિક પરીક્ષા પણ નજીક આવી ગઈ છે. તેમ છતાં પણ અંગ્રેજી ભણાવવા માટે શિક્ષક ન હોવાથી કંટાળીને આજે તેઓ નગરપાલિકા કચેરીએ રજૂઆત માટે આવ્યા છે.
આ બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢે જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીઓના અભ્યાસને લઈને અમે પણ ચિંતિત છીએ અને મેં ચીફ ઓફિસરને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ તેઓ છેલ્લાં એક વર્ષથી અનિયમિત રહે છે અને નોંધમાં સહી કરતા નથી. માટે ચીફ ઓફિસરના કારણે નવા શિક્ષકની વ્યવસ્થા થતી નથી અને વિદ્યાર્થિનીઓના અભ્યાસ પર અસર થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીસા નગરપાલિકાના આંતરિક વિખવાદનો ભોગ અત્યારે 300 જેટલી વિદ્યાર્થિનીઓ બની રહી છે. નગરપાલિકા ધારે તો ટેમ્પરરી પણ અંગ્રેજી માધ્યમના શિક્ષકની વૈકલ્પિક વ્યવસ્થા કરી શકે તેમ છે. ત્યારે નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ તાત્કાલિક ધોરણે શિક્ષકની વૈકલ્પિક વ્યવસ્થા કરી વિદ્યાર્થિનીઓના બગડતા અભ્યાસને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ તેવી વિદ્યાર્થિનીઓની માંગ છે.
આ પણ વાંચો : અમદાવાદની આ ત્રણ સ્કૂલોની માન્યતા આવતા શૈક્ષણિક સત્રથી રદ કરાઈ