બનાસકાંઠા : ડીસા દક્ષિણ પોલીસ દ્વારા પ્રા. શાળામાં સુરક્ષા અંગેનો કાર્યક્રમ યોજાયો
બનાસકાંઠા 27 જુલાઈ 2024 : ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોમાં સુરક્ષા અને ટ્રાફિક નિયમન અંગેની જાગૃતિ આવે તેમજ પોલીસ પ્રત્યેનો હાઉ દૂર થાય અને પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો અહેસાસ કરાવવાના હેતુથી સુરક્ષા લક્ષી જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણા દ્વારા શરૂ કરાયેલા માનવીય અભિગમ અંતર્ગત ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીના માર્ગદર્શન મુજબ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી સી.યુ.દોશી પ્રાથમિક શાળામાં નાના બાળકોની સુરક્ષાલક્ષી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડીસા શહેર દક્ષિણ પીઆઇ કે બી દેસાઈના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એમ બી દેવડા વુમન્સ એએસઆઈ કુંદનબા એલઆઈબી હેડ કોન્સ્ટેબલ નરેન્દ્ર પંડ્યા દ્વારા ધોરણ 06 થી 08 નાઓ ના વિદ્યાર્થીઓએ બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પીએસઆઈ એમ.બી. દેવડા અને એએસઆઈ કુંદનબા દ્વારા બાળકોને ‘ગુડ ટચ બેડ ટચ” અને કાયદાનું જ્ઞાન, ટ્રાફિક નિયમન , વ્યસન મુક્તિ અંગે વિસ્તારપૂર્વક સમજ આપી હતી. આ ઉપરાંત એકલા રહેતા બાળકો અને ઘરમાં કોઈ ન હોય ત્યારે બાળકોને કેવી સાવચેતી રાખવી તેની સમજ આપવામાં આવી હતી. આ સિવાય પણ બાળકોને શિક્ષણ સહાય અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તેમજ પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે તેવો બાળકોને અહેસાસ કરાવ્યો હતો.કાર્યક્રમમાં 160 વિદ્યાર્થીઓ અને 16 શિક્ષકો હાજર રહ્યા હતા. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરાયેલી આ નવતર પહેલને લોકો આવકારી રહ્યા છે તેમજ બાળકો પ્રત્યે જાગૃતિ પણ દાખવી રહ્યા છે.
આ પણ વાંચો : ભાજપના નેતાએ લોકોની ગાડીઓ ભાડે લઈને દારૂની હેરાફેરી કરવા ઉપયોગ કર્યોઃ જિજ્ઞેશ મેવાણી