બનાસકાંઠા : ડીસા પોલીસે કચ્છ, રાધનપુર અને થરાથી મોટર સાઇકલ ચોરનાર યુવક ઝડપાઈ ગયો
- ડીસા શહેર દક્ષિણ પોલીસે એક જ માસમાં 10 વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
- અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો
બનાસકાંઠા 28 જુલાઈ 2024 : ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના નવનિયુક્ત પી.આઇ. કે.બી.દેસાઇએ એક જ માસમાં જૂદી-જૂદી 10 વાહન ચોરીના ભેદને ઉકેલી એક શખ્સને ચોરીના છ મોટર સાઇકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં અસામાજીક તત્વોમાં ફકડાટ ફેલાયો છે.
ડીસાના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકીના માર્ગદર્શન હેઠળ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પી.આઇ. કે.બી.દેસાઇ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય ન બનાવ બને તે માટે સતત કામગીરી કરી રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ જ પી.આઇ. કે.બી.દેસાઇ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ હરિઓમ સ્કૂલ નજીક નંબર વગરનું મોટર સાઇકલ આવતાં પોલીસને શંકાસ્પદ જણાયું હતું.
આથી પોલીસે વિષ્ણુભાઇ બાબુભાઇ રાવળ (રહેવાસી કોલીવાડા, તા. સાંતલપુર, જી. પાટણ) ની અટકાયત કરી તેની કડક પૂછપરછ કરતાં મોટર સાઇકલ ચોરીનું હોવાની કબૂલાત કરી હતી તેમજ તેણે અગાઉ કચ્છ, રાધનપુર અને થરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પણ મોટર સાઇકલની ચોરી કરી પોતાના વતન કોલીવાડા રાખ્યા હોવાની કબૂલાત કરી હતી. આથી ડીસા શહેર દક્ષિણ પોલીસે ચોરીના એક સાથે છ મોટર સાઇકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરીના છ મોટર સાઇકલ કબજે લેવામાં આવ્યા છે : પી.આઇ.
ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ મોટર સાઇકલ ચાલક ઝડપાયો હતો. જેથી તેની પૂછપરછ કરતાં તેણે કચ્છ, રાધનપુર અને થરાથી મોટર સાઇકલ ચોરીની કબૂલાત કરી હતી. આથી વિષ્ણુભાઇ બાબુભાઇ રાવળને ઝડપી ચોરીના છ મોટર સાઇકલ કબજે કરવામાં આવ્યા છે તેમ પી.આઇ. કે.બી.દેસાઇએ જણાવ્યું હતું.
ડીસા પોલીસે રૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ડીસા શહેર દક્ષિણ પોલીસે પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામના વિષ્ણુભાઇ બાબુભાઇ રાવળ પાસેથી GJ-12-DE-0137, GJ-24-AG-3488, GJ-08-BR-5912, GJ-24-AN-1675, GJ-12-BK-6657 અને GJ-08-AR-5902 નંબરના મોટર સાઇકલ સાથે રૂ. 1.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચો : પત્ની ગર્ભવતી નહોતી થતી, તપાસ કરાવી તો પતિ આઘાતમાં સરી પડ્યોઃ જાણો ગુજરાતના ચોંકાવનારા કિસ્સા વિશે