ડીસા : બનાસ નદીમાં વધુ એક યુવક ડૂબ્યો


પાલનપુર: બનાસ નદીમાં દાંતીવાડા ડેમમાંથી પાણી છોડાયા બાદ બે દિવસમાં આઠથી વધુ લોકોના ડૂબી જવાથી મોત થયા છે. ત્યારે શનિવારે સાંજે માલગઢ ગામ પાસે વધુ એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાના સમાચાર મળ્યા છે.
માલગઢ ગામ પાસેથી વહેતી બનાસ નદીમાં કુંડાવાળી ઢાણી જવાના રોડ પર માલગઢ જોધપુરીયા ઢાણી ગામનો 30 વર્ષીય યુવક દિનેશ પ્રકાશભાઇ માળી ડૂબ્યો હોવાના સમાચાર મળતા મોટી સંખ્યામાં ગ્રામજનોના ટોળેટોળા ઉમટ્યા હતા.
યુવક ડૂબાયો હોવાની જાણ વહીવટી તંત્રને કરાતા ડીસા તાલુકા પોલીસ અને મામલતદાર કચેરીના સ્ટાફ સહિત વહીવટી તંત્રના લોકોએ પહોંચી યુવકની શોધખોળ કરવાની કવાયત શરૂ કરી હતી.બનાસ નદીમાં પાણી છોડ્યા પહેલા 15 દિવસથી સતત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા નદી કાંઠે ન જવાની ચેતવણીઓ વારંવાર આપવા છતાં અનેક લોકો નદીમાં નાહવા જવાની મજા લેવા પહોંચતા તરતા આવડતું ન હોય ડૂબી જવાથી મોતનો ભેટે છે.