બનાસકાંઠા : ડીસા નગરપાલિકાની સામાન્ય સભા મુલતવી,ભાજપના જૂથવાદના કારણે બોર્ડ કેન્સલ કરાયાનો વિપક્ષનો બળાપો

- ગઈકાલે ટીપી કમિટીની બેઠક બાદ જનરલ બોર્ડ પણ મુલતવી રહેતા આશ્ચર્ય
બનાસકાંઠા 31 જુલાઈ 2024 : ડીસા નગરપાલિકામાં સત્તાધારી ભાજપ પક્ષમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદના કારણે પાલિકા સતત વિવાદોમાં છે. મંગળવારે પાલિકાની પ્રથમ ટીપી કમિટીની બેઠક મુલતવી રખાયા બાદ બુધવારે મળનારી સામાન્ય સભા પણ મુલતવી રહેતા પાલિકા વર્તુળમાં ચર્ચાસ્પદ બન્યું હતું. ભાજપના સદસ્યોના આંતરિક ડખા ના કારણે શહેરનો વિકાસ રૂંધાતો હોવાનો બળાપો વિપક્ષી સભ્યોએ વ્યક્ત કર્યો હતો.
ડીસા નગરપાલિકાની ખાસ સાધારણ સભા બુધવારે 11:15 કલાકે નગરપાલિકાના સભાગૃહમાં યોજવાનો એજન્ડા પાલિકા દ્વારા બહાર પડાયો હતો. જેમાં શહેરના વિકાસના, રોડ, રસ્તા, પાણી,ગટર, સ્વચ્છતા સહિત ટેન્ડરિંગ પ્રક્રિયાઓના કામો જેવા 42 મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. જોકે બોર્ડ બેઠકના 15 મિનિટ પહેલા જ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ અનિવાર્ય સંજોગોના કારણે બેઠક મુલતવી રાખવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. જેથી વિપક્ષી સભ્યોએ પોતાની હાજરી અંગેનો લેખિત રિપોર્ટ ચીફ ઓફિસરને રજૂ કરી ભાજપના સદસ્યો આંતરિક જૂથવાદના કારણે શહેરનો વિકાસ રુંધતા હોવાનો બળાપૉ વ્યક્ત કર્યો હતો.
આ અંગે કોંગ્રેસના સદસ્ય ભાવિબેન સાહેબ જણાવ્યું હતું કે ડીસામાં ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય ના જૂથો વચ્ચેની લડાઈમાં શહેરની પ્રજાનો મરો થઈ રહ્યો છે તેઓને લડાઈ કરવી હોય તો પક્ષની ઓફિસમાં જઈને કરે પરંતુ તેઓનો આંતરિક જૂથવાદની પીડા ડીસાના નગરજનો ભોગવી રહ્યા છે. જ્યારે વિપક્ષી નેતા વિજયભાઈ દવેએ જણાવ્યું હતું કે, આજની બેઠકમાં કુલ 42 જેટલા વિકાસના મુદ્દાઓની ચર્ચા થવાની હતી.જેમાં પાલિકામાં અનેક અધિકારીઓ એન્જિનિયરોની ઘટ હોવાથી શહેરમાં વિકાસના કાર્યો યોગ્ય રીતે થઈ શકતા નથી જેવા અનેક મુદ્દાઓ મુખ્ય હતા. પરંતુ ભાજપના સભ્યોની આંતરિક જૂથવાદની લડાઈના કારણે ડીસાના નગરજનોને આવી ચોમાસાની સિઝનમાં પણ અનેક હાલાકીઓ ભોગવવી પડી રહી છે.
પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે, અનિવાર્ય સંજોગોના કારણે આજનું બોર્ડ મુલતવી રખાયું હતું ટૂંક સમયમાં જ નવા બોર્ડની તારીખ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકામાં હજુ ગઈકાલે જ છ મહિના મળનારી બાદ પાલિકાની પ્રથમ ટીપી બેઠક ભાજપના જ પાંચ સદસ્ય ગેરહાજર રહેતા મુલતવી રખાઈ હતી. જ્યારે આજની બોર્ડ બેઠકમાં પણ ભાજપના સદસ્યોનું એક જૂથ ગેરહાજર રહેવાનું હોવાની આશંકાના કારણે અચાનક બોર્ડ મુલતવી રાખવામાં આવ્યું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચો : શું તમારે દીકરી છે? જાણો ગુજરાત સરકારે અમલમાં મુકી છે આ ખાસ યોજના