મેડિકલની રજા મૂકી ડીસા પાલિકાના પ્રમુખ રજા પર ઉતરી ગયા


પાલનપુર: ડીસા નગરપાલિકા પ્રમુખ ફરી રજા પર ઉતરી જતા લોકોમાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જો કે ભાજપના આંતરિક ડખા ના કારણે તેઓ રજા પર ઉતરી ગયા હોવાના આક્ષેપો નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે નકાર્યા હતા.
ભાજપમાં આંતરિક ડખાના આક્ષેપો
ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર શુક્રવારે સાંજથી રજા પર ઉતરી ગયા છે. છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને સત્તાધારી પક્ષ અને પૂર્વ સંગઠન આમને -સામને છે. એવામાં નગરપાલિકા પ્રમુખ ફરી એકવાર મેડિકલ રજા પર મૂકી જતા લોકોમાં અનેક પ્રકારના તર્ક- વિતર્ક થઈ રહ્યા છે. ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે, જ્યારથી ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું ત્યારથી જ વિખવાદ ચાલી રહ્યા છે. જિલ્લા ભાજપ સંગઠન અને ડીસા સત્તાધારી પક્ષ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ સમગ્ર પિક્ચર ડીસાના લોકો જોઈ રહ્યા છે. હવે આજ વિખવાદ આવનાર સમયમાં ભાજપનો ભોગ લેશે તેમ જણાવ્યું હતું. જોકે ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ સવિતાબેન હરિયાણીએ આ તમામ આક્ષેપોને નકાર્યા હતા. અને ભાજપમાં આવી કોઈ જ પ્રકારનો વિખવાદ નથી ચાલી રહ્યો તેમ જણાવ્યું હતું.