ડીસા પાલિકા બચાવના સાધનો વસાવવામાં બેદરકાર
પાલનપુર: આ ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં આવેલા તળાવોમાં પૂરતું પાણી ભરાય છે. આવા સમયે પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે. જેને લઈને રેસ્ક્યુ માટેના જરૂરી સાધનો સાથે બચાવ કામગીરી કરવામાં આવે છે. ત્યારે ડીસાના ગ્રામ્ય મામલતદાર કે. એચ. તરાલે ડીસા નગરપાલિકાને ફાયર સેફ્ટીના સાધનો અને કર્મચારીઓની માહિતી અગાઉથી માંગી લીધી હતી અને તાકીદ કરી હતી કે, જરૂર જણાય તો તાત્કાલિક બચાવના સાધનો વસાવી લેવા.
પરંતુ પાલિકા દ્વારા બચાવ કામગીરીના કોઈ સાધનો વસાવાયા નહતા. જેને લઈને વ્યક્તિની ડૂબી જવાની ઘટનામાં સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. જેમાં ગુરુવારે જુનાડીસા પાસે બનાસ નદીમાં ત્રણ યુવકો ડૂબી ગયા હતા. ત્યારે ઊંડાણમાં જઈને લાશો શોધી કાઢવાના સાધનો ડીસા નગરપાલિકા પાસે ન હતા. જેથી કામગીરી કરવામાં પાલિકા નિષ્ફળ રહી હતી. અને તેની બેદરકારી સામે આવી હતી. જ્યારે 24 કલાક બાદ પણ હજુ નદીમાં ડૂબી લાપત્તા બનેલા યુવકોને શોધી શકાયા નથી. જેથી મામલતદારએ આવા સાધનો વસાવી લેવા પાલિકાને જણાવ્યું હોવા છતાં પાલિકા દ્વારા ઘોર બેદરકારી સામે આવી છે. જેને લઈને પાલિકા સામે લોકો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: PM મોદી આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ