રોગચાળો ફાટે તે પહેલાં ચોમાસામાં ભરાતા પાણીનો નિકાલ કરવા ડીસા પાલિકાને નોટિસ


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ચોમાસામાં ઠેર ઠેર પાણી ભરાઈ રહેતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. પાણીના યોગ્ય નિકાલ માટે નગરપાલિકાની ગંભીર બેદરકારી હોવાનું ધ્યાને આવતા જ આરોગ્ય વિભાગે નગરપાલિકાને નોટિસ ફટકારી તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

ડીસા તાલુકા હેલ્થ ઓફિસરે પાલિકાને તાકીદ કરી
ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહેવાના કારણે કોઈ જગ્યાએ રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકા અને આરોગ્ય વિભાગ બંને સંયુક્ત કામગીરી કરવાની હોય છે. પરંતુ ડીસા નગરપાલિકાએ પ્રિમોન્સૂન પ્લાનિંગ અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં પણ કેટલીય જગ્યાએ ચોમાસાનું પાણી ઠેરનું ઠેર ભરાઈ રહે છે. અને તેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સેવાઇ રહી છે. એક તરફ કોરોનાના કેસો દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે બીજી તરફ નગરપાલિકાની બેદરકારીના કારણે પાણી ભરાઈ રહેતા તેમાં પોરા થઈ જાય છે. અને તેનાથી પાણીજન્ય રોગચાળો ફેલાવવાની સંભાવના વધી જાય છે. આ બાબત ધ્યાને આવતા જ ડીસા અર્બન વિભાગ દ્વારા નગરપાલિકાને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં પાણી ભરાઈ રહેલા સ્થળો દર્શાવી પાણીનો ભરાવો તેમજ ખૂલ્લી ગટરો લાઈનનો ભરાવો યોગ્ય સમયે નિકાલ માટે સૂચના આપવામાં આવી છે.