ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા પર હુમલો…
પાલનપુર : ડીસાના ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને સાંજે મતદાન પૂર્ણ થવાના સમય અગાઉ બોગસ મતદાન થઈ રહ્યું હોવાના સમાચાર મળતા ગવાડી તરફ ગયા હતા. જ્યાં ટોળાએ તેમની ગાડીને ઘેરી લઈને તેમની ઉપર હુમલો કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના ના સમાચાર મળતા જ તેમના કાર્યાલય ઉપર સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. જ્યારે શહેરમાં ઉત્તેજના ભર્યો માહોલ સર્જાયો છે.
પાંચ હજારના ટોળાએ હુમલો કર્યો હોવાનો ધારાસભ્યનો દાવો
ડીસાના ગવાડી વિસ્તારમાં થયેલા હુમલા અંગે ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, આજે મતદાનનો દિવસ હોવાથી સૌથી વધુ મતદાન થાય તે માટે હું અલગ અલગ બૂથ ઉપર ફરી રહ્યો હતો. દરમિયાન બ્રાન્ચ કુમાર શાળા અને એસ. સી. ડબલ્યુ.હાઇસ્કુલમાં ગવાડીનું બોગસ મતદાન થઈ રહ્યું હોવાનું જાણવા મળતા હું ગાડી લઈને તે તરફ ગયો હતો. ત્યારે 5 000 લોકોના ટોળાએ મારી ગાડીને આજુબાજુથી ઘેરી લીધી હતી. અને ગાડી ઉપર હુમલો કર્યો હતો. તેમજ ગાડીને પણ ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પાછળ પોલીસ સ્ટાફના માણસો આવતા તેમને પણ ટોળાએ ઘેરી લીધા હતા. જેથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
આ ઘટના અંગે રેન્જ આઈજી ને જાણ કરવામાં આવી છે. તેમજ જિલ્લા પોલીસ વડાએ પણ આ ઘટનાને લઈને માહિતી મેળવી છે. તેમને એમ પણ જણાવ્યું હતું કે, લઘુમતી સમાજના લોકોએ જે હુમલો કર્યો છે તેમને કડક ભાષામાં સંદેશો આપવા માંગુ છું કે, હું ધારાસભ્ય તરીકે ચાલું છું, હિન્દુ સમાજનો અને પાર્ટીનો પણ આગેવાન છું. આનો જડબાતોડ જવાબ આપવાની મારી તૈયારી છે. પરંતુ મારી મર્યાદામાં રહીને જીવવાનો વાળો માણસ છું.જો કે આ હુમલાની ઘટનાને લઈને ડીસા ના ભાજપના ધારાસભ્યના કાર્યાલય ઉપર મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં શશીકાંત પંડ્યા ને કોઈ ઈજા થવા પામી નથી.