જુના ડીસાથી કાણોદર સ્ટેટ હાઇવે રૂ. 24 કરોડના ખર્ચે 10 મીટર પહોળો બનશે
- જુનાડીસા થી સમૌ ના માર્ગ ને પણ રૂ. ૪૭ કરોડ ખર્ચાશે
- રાજ્ય સરકારે ટ્રાફિકને મામલે લીધો મહત્વનો નિર્ણય
- ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી રજૂઆત
બનાસકાંઠા 21 જુલાઈ 2024 : દિવસે દિવસે વાહનોમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે મોટાભાગના માર્ગો ટ્રાફિક ના લીધે વ્યસ્ત બન્યા છે. તેમાંય ડીસા થી પાલનપુર, અમદાવાદ, ગાંધીનગર જતા માર્ગ ટ્રાફિક ને લઈ અત્યંત વ્યસ્ત રહે છે. જેથી રાજ્ય સરકારે ડીસા થી જુના ડીસા, ગઢ કાણોદર નો માર્ગ રૂ. 24 કરોડ ના ખર્ચે અને ડીસાથી સમૌ રૂ. ૪૭ કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
રાજ્ય સરકાર માળખાકીય સુવિધામાં વધારો કરી નાગરિકોને સુવિધા મળી રહે તેવા કદમ ઉઠાવી રહી છે. જેમાં ડીસાથી ગાંધીનગર, અમદાવાદ તરફ જવા માટે જિલ્લાના પશ્ચિમ વિસ્તાર જેવા કે ધાનેરા, લાખણી, થરાદ, વાવના લોકોને પાલનપુર ખાતે ટ્રાફિકની અતિ વ્યસ્તતા અસર કરતી હતી. અહીંના એરોમા સર્કલ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ડીસા – જુના ડીસાથી ગઢ, કાણોદર ના માર્ગને અને ડીસાથી સમૌ ના માર્ગને 10 મીટર પહોળો કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. જેથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના નાગરિકો માટે મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યું હતું. જેમાં ડીસાના જુના ડીસા થી ગઢ, કાણોદર સુધીના હયાત સ્ટેટ માર્ગને રૂ. 24 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવા અને એ જ રીતે ડીસા થી પાટણ રોડ પર આવેલા સમૌ સુધીના માર્ગને પણ રૂ. 47 કરોડના ખર્ચે 10 મીટર પહોળો કરવા માટેની મંજૂરી આપી દીધી છે. જેને લઈને વાહન ચાલકોમાં ખુશીની લાગણી પ્રસરી છે.આ માર્ગો પહોળા અને મજબૂત બનતા ડીસાથી ગાંધીનગર, અમદાવાદ તરફ જવા માટે પાલનપુરના એરોમા સર્કલ તરફ નહીં જવું પડે. જ્યારે વધુ પડતા ટ્રાફિકના ભારણને મહદ અંશે હળવો કરી શકાશે. જેનો સીધો લાભ ધાનેરા, થરાદ, વાવ, લાખણી જેવા તાલુકાના લોકોને મળશે. આગામી દિવસોમાં આ માર્ગ ખૂબ જ ઉપયોગી નિવડવાનો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: કાંકરેજના થરા પાસેથી રૂ. ૫.૪૪ લાખનો બિન કાયદેસર યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો