ડીસા : આંગણવાડી કાર્યકરોનું વિરોધ પ્રદર્શન કરી અચોક્કસ મુદતની હડતાલ પર
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી આગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર બેઠા છે. જ્યાં સુધી સરકાર તેમની 14 જેટલી માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખશે. અને કામકાજ પણ બંધ રાખશે તેવી ચીમકી ઉચારી હતી.
ત્રણ દિવસથી હડતાલ પર
બનાસકાંઠામાં આંગણવાડી કાર્યકરો તેમજ તેડાગર બહેનોની હડતાલ ત્રીજા દિવસે પણ જારી છે. આંગણવાડી બહેનોને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારી જાહેર કરવા અને પ્રાથમિક શાળાઓ સાથે રજા અને માનદ વેતનના બદલે સરકારી કર્મચારીનો દરજ્જો આપવો. તેમજ ખાનગીકરણ બંધ કરવા સહિત 14 જેટલી માંગણીઓ મામલે વિરોધ પ્રદર્શન ચાલુ રાખ્યું છે. અને છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં 5 હજારથી પણ વધુ આંગણવાડી કાર્યકર બહેનો હડતાલ પર બેઠા છે. જ્યાં સુધી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે મામલતદાર કચેરી આગળ કાર્યકરો ધરણા પર બેસી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા.