ધોયા વગર જ સાફ થઈ જશે ઘરના ગંદા પડદા, દિવાળી સફાઈ પહેલા જાણો ટ્રિક
- દિવાળી સફાઈ એ ઘણી વખત ઝંઝટ સમાન લાગે છે, ઘરમાં શું કામ નથી હોતું? જો કેટલીક ટ્રિક્સ તમારું કામ સરળ બનાવી દે તો?
HD ન્યુઝ ડેસ્કઃ નવરાત્રીની મજા તો માણી લીધી, પરંતુ દરેક લેડીઝને દિવાળીના સફાઈ કામની ચિંતા ક્યાંકને ક્યાંક સતાવતી જ હશે. આમ તો દિવાળીની તૈયારીઓ મહિના પહેલાથી જ શરૂ થઈ જતી હોય છે, એ પણ ઘરના ડિપ ક્લિનિંગ સાથે. ઘરના ખુણા ખુણા, ઘરની દિવાલો, ઈલેક્ટ્રોનિક્સ સામાન, ચાદરો, પડદા બધું જ ક્લીન કરવામાં આવે છે. આ કામ ક્યારેક બોરિંગ લાગે છે, તો ક્યારેક થકવી પણ દે છે. જાણો દિવાળી સફાઈને લગતા એવા કેટલાક હેક્સ જે તમારા કામને થોડું સરળ બનાવી દેશે. તમારો સમય અને મહેનત બંને બચી જશે. ઘરના ગંદા પડદાને ધોયા વગર જ ક્લીન કરવાનો દેશી જુગાડ અહીં જાણો
પડદા પરથી હટાવો ધૂળ
પડદા દરવાજા કે બારી પર લટકતા રહે છે આ કારણે પડદા પર ધૂળનું જાડું પડ જમા થાય છે, જેના કારણે તે ખૂબ જ ગંદા દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા તેમના પર જમા થયેલી ધૂળને સાફ કરવી જરૂરી છે. પડદા પર ચોંટી ગયેલી ધૂળને સાફ કરવા માટે, પહેલા તેને નીચે ઉતારો અને પછી તેને હલાવીને અથવા ઝાપટિયા વડે મારવાથી તેના પર જામેલી ધૂળ દૂર થશે. ત્યારબાદ દરેક પડદાને યોગ્ય રીતે ફેલાવો અને પછી વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરીને તેના પરની ધૂળ સાફ કરો.
સ્ટીમ ક્લિનિંગની મદદથી ચમકાવો
પડદાને ધોયા વગર તેને ચમકાવવા માટે તમે સ્ટીમ ક્લિનિંગની મદદ પણ લઈ શકો છો. વેક્યૂમ ક્લીનર વડે પડદાની ધૂળને સાફ કર્યા પછી તેને સ્ટીમથી સાફ કરો. તેનાથી પડદા પર ક્યાંય પણ ડાઘ હશે તો તે દૂર થઈ જશે. સ્ટીમ ક્લિનિંગ કરવા માટે સ્ટીમરમાં થોડું સફેદ વિનેગર ઉમેરો અને પછી પડદાના ડાઘવાળા ભાગને સારી રીતે સ્ટીમ કરીને સાફ કરો. આ સિવાય આખા પડદા પર લાઇટ સ્ટીમ ક્લિનિંગ પણ કરો.
તડકામાં સૂકવો
પહેલા બે સ્ટેપ કર્યા પછી તમારા પડદા સાફ થઈ જશે પરંતુ એક છેલ્લું સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે. પડદાને સાફ કર્યા પછી, તેને લગભગ 3 થી 4 કલાક સુધી તડકામાં સૂકવી દો. આમ કરવાથી પડદામાંથી તમામ બેક્ટેરિયા ખતમ થઈ જશે અને જો પડદામાંથી કોઈ પ્રકારની દુર્ગંધ આવી રહી છે તો તે પણ દૂર થઈ જશે.
આ પણ વાંચોઃ નસોમાં જામતું લોહી પાતળું કરશે આ 5 વસ્તુઓ, હાર્ટ એટેકનો ખતરો પણ ટળશે