ડિમ્પલ યાદવ અને અખિલેશઃ પતિ-પત્નીની એકમાત્ર જોડી દેખાશે લોકસભામાં
- ગૃહમાં સૌની નજર અખિલેશ-ડિમ્પલ પર રહેશે
- અખિલેશ-ડિમ્પલની જોડીના નામે રેકોર્ડ
લખનૌ, 13 જૂન, ચૂંટણી જંગમાં પતિ-પત્ની વચ્ચે સામસામે લડાઈના દાખલા તો ઘણા છે, પરંતુ અલગ-અલગ બેઠકો પરથી એકસાથે જીતીને લોકસભામાં પહોંચ્યાના ઉદાહરણ ભાગ્યે જ જોવા મળે છે. આ વખતે 18મી લોકસભા દરમિયાન જ્યારે તમામ સાંસદો ગૃહમાં બેસશે ત્યારે યુપીમાંથી અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવના રૂપમાં એકમાત્ર પતિ-પત્નીની જોડી સૌનું ધ્યાન ખેંચશે. અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ બંને લોકસભા ચૂંટણી જીત્યાં છે. હવે બંને સંસદમાં સાથે જોવા મળશે. આ રીતે, અખિલેશ અને ડિમ્પલ ઉત્તર પ્રદેશના પ્રથમ કપલ હશે જેઓ એકસાથે લોકસભા પહોંચ્યાં છે.
સમાજવાદી પાર્ટી (SP)એ યુપીમાં લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સપાની આ જીતમાં ખાસ વાત એ છે કે આ વખતે પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ બંને ચૂંટણી જીત્યા છે. હવે બંને સંસદમાં સાથે જોવા મળશે. અખિલેશ યાદવ પહેલીવાર તેમની પત્ની સાથે લોકસભામાં તો હાજર રહેશે જ, પરંતુ આ વખતે તેમના ત્રણ ભાઈઓ પણ તેમની સાથે સાંસદ તરીકે ગૃહમાં રહેશે. સૈફઈ પરિવારના પાંચ સભ્યો લોકસભામાં ચૂંટાયા છે. કન્નૌજથી અખિલેશ યાદવ અને મૈનપુરીથી ડિમ્પલ યાદવ, આઝમગઢથી ધર્મેન્દ્ર યાદવ, ફિરોઝાબાદથી અક્ષય યાદવ અને બદાઉનથી આદિત્ય યાદવ પણ સાંસદ તરીકે ચૂંટાયા છે.
અખિલેશ યાદવ કન્નૌજથી જીત્યા
કન્નૌજ લોકસભા સીટ પરથી SP ચીફ અખિલેશ યાદવે બીજેપીના સુબ્રત પાઠકને 170922 વોટથી હરાવ્યા. અખિલેશને 642292 વોટ મળ્યા, જ્યારે સુબ્રતને 471370 વોટ મળ્યા. અગાઉ (2019), સુબ્રત પાઠકે આ સીટ પર ચૂંટણીમાં અખિલેશ યાદવની પત્ની ડિમ્પલને હરાવ્યા હતા.
ડિમ્પલ યાદવ મૈનપુરીથી જીત્યા
મૈનપુરી લોકસભા સીટ પરથી સપાના ડિમ્પલ યાદવ 221639 વોટથી જીત્યા છે. તેમને 598526 મત મળ્યા હતા. જ્યારે તેમના નજીકના હરીફ ભાજપના જયવીર સિંહને 376887 મત મળ્યા છે. 2019ની ચૂંટણીમાં સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવ મૈનપુરી બેઠક પરથી જીત્યા હતા. SP-BSP-RLDએ સાથે મળીને આ ચૂંટણી લડી હતી. મુલાયમ સિંહે આ ચૂંટણીમાં 94 હજાર મતોથી જીત મેળવી હતી અને તેમને 53.75 ટકા મત મળ્યા હતા. આ બેઠક સમાજવાદી પાર્ટીનો ગઢ માનવામાં આવે છે.
આ પણ વાંચો..ઓડિશામાં ભાજપના પ્રથમ સીએમ બન્યા મોહન માઝી, 2 ડેપ્યુટી સીએમ અને 13 મંત્રીઓએ લીધા શપથ