IPL-2024વિશેષસ્પોર્ટસ

‘IPL જરૂર રમો પરંતુ…’: પૂર્વ કેપ્ટન વેંગસરકરે યુવાનોને આપી મહામૂલી સલાહ

Text To Speech

14 મે, મુંબઈ: ભારતના પૂર્વ કેપ્ટન, ચીફ સિલેક્ટર અને ‘કર્નલ’ના હુલામણા નામે ઓળખાતા દિલીપ વેંગસરકરે યુવાનોને એક મહામૂલી સલાહ આપી છે. તેમણે યુવાનો અને ક્રિકેટમાં પોતાની કરિયર બનાવવા ઈચ્છતા બાળકોને કહ્યું છે કે તેમણે IPL જરૂર રમવી જોઈએ પરંતુ જે પરંપરાગત ફોર્મેટ છે તે જ તમને સફળતા અપાવવામાં મદદ કરશે.

આમ કહીને વેંગસરકરનો ઈશારો ટેસ્ટ ક્રિકેટ રમવા તરફ હતો. દિલીપ વેંગસરકરે કહ્યું હતું કે આજકાલ માતાપિતા IPLથી મળતાં નાણાંકીય લાભ અને સફળતા જોઇને અંજાઈ જાય છે, પરંતુ યુવા ખેલાડીઓનો ફોકસ લાલ બોલના ક્રિકેટ ઉપર વધુ હોવો જોઈએ. જો તેઓ લાંબા સમય સુધી રમાતું ક્રિકેટ વધુ રમશે તો તેમને દરેક ફોર્મેટમાં પોતાનું ક્રિકેટ સુધારવાની તક મળી રહેશે.

દિલીપ વેંગસરકર જાણીતા ક્રિકેટ કોચ જ્વાલા સિંઘના પુસ્તક ‘Pathway to Cricketing Excellence and Beyond’ના અનાવરણ સમારંભમાં  બોલી રહ્યા હતા.

દિલીપ વેંગસરકરને જ વિરાટ કોહલીને ટેસ્ટ મેચમાં રમાડવાનો શ્રેય જાય છે. એ સમયે મોટાભાગના ક્રિકેટ પંડિતો વિરાટને ટેસ્ટની ટીમમાં સમાવવાની વિરુદ્ધ હતા, પરંતુ ચીફ સિલેક્ટર તરીકે કર્નલે એક હિંમતભર્યો નિર્ણય લીધો અને આજે વિરાટ કોહલી દુનિયાના મહાન ટેસ્ટ ખેલાડીઓમાં સામેલ છે.

દિલીપ વેંગસરકર દ્વારા માતાપિતાઓ પોતાના બાળકોને બેટ્સમેન બનાવવા પાછળ જ ભાર આપતા હોવા અંગે પણ સૂચક ઈશારો કરવામાં આવ્યો હતો. તેમનું કહેવું હતું કે IPL હોય કે ટેસ્ટ મેચ, બોલર્સ મેચ જીતાડવા માટે બહુ મોટું પ્રદાન કરતા હોય છે. દેશ માટે ટેસ્ટ મેચ રમવાનો પ્રયાસ કરો, જો તમે સારા ટેસ્ટ ક્રિકેટર હશો તો અન્ય ફોર્મેટમાં પણ તમે સુંદર રમી શકશો.

તેમણે આગળ કહ્યું હતું કે, ‘સારા ખેલાડી તરીકેની તમારી ગણના ત્યારેજ થશે જ્યારે તમે તમારા દેશ માટે ટેસ્ટ મેચ રમ્યા હશો. IPL એ મનોરંજન માટે સારી બાબત છે અને તેનાથી નાણાંકીય જરૂરિયાતો પણ પૂર્ણ કરે છે, જે જીવન જીવવા માટે જરૂરી છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટ એ જ મૂળ ક્રિકેટ છે.

જ્વાલા સિંઘ એ મુંબઈના ઘણા જાણીતા ક્રિકેટ કોચ છે. તેમણે યશસ્વી જયસ્વાલને પણ કોચિંગ આપ્યું છે. પોતાના પુસ્તક વિશે કહેતા જ્વાલા સિંઘે જણાવ્યું હતું કે, ‘કોઇપણ રમતના ત્રણ સ્તંભ હોય છે, એક ખેલાડી પોતે, બીજો તેના માતાપિતા અને ત્રીજો કોચ. આ ત્રણેયના સામુહિક પ્રયાસો દ્વારા જ સફળતા મળે છે તે વાત આ પુસ્તકમાં કહેવામાં આવી છે.

Back to top button