અમદાવાદકૃષિગુજરાતટોપ ન્યૂઝ

દિલીપ સંઘાણી બીજી વખત IFFCOના ચેરમેન બન્યા, બલવિંદરસિંઘ વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ

Text To Speech

રાજકોટઃ 10 મે 2024, IFFCOની ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ઈફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની શાનદાર જીત બાદ હવે દિલીપ સંઘાણી ફરી ઈફ્કોના ચેરમેન બન્યા છે. દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી થઈ છે. બલવીર સિંહ IFFCOના વાઈસ ચેરમેન બન્યા છે. IFFCO પર ગુજરાતના નેતાઓનો દબદબો યથાવત જોવા મળ્યો છે. આજે દિલ્હી ખાતે IFFCOના ચેરમેનની ચૂંટણી માટે બોર્ડ મીટિંગ વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ હતી. જેમાં જયેશ રાદડીયાએ પણ મતદાન કર્યું હતું. દિલીપ સંઘાણી લગભગ બિનહરીફ થશે એ ફાઈનલ જ હતુ. દિલીપ સંઘાણીએ IFFCOના ચેરમેન માટે નોમિનેશન રજુ કર્યું હતું.

182 મતદારોમાંથી મતદાનમાં કુલ 180 મત પડ્યા હતા
ગઈકાલે IFFCOનાં ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ટેડ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. કુલ 182 મતદારોમાંથી મતદાનમાં કુલ 180 મત પડ્યા હતા. જેમાં જયેશ રાદડિયાને 114 મત જ્યારે બિપિન પટેલને 67 મત મળ્યા હતા. IFFCOના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવે છે. આ વર્ષે ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. IFFCOમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતો હોય છે ત્યારે જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના મતદારોને તરફેણમાં વાળવામાં સફળ રહ્યા છે.

6 કરોડ ખેડૂતોની સંસ્થા ઈફકો
ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ છે. આ વિભાગના કેન્દ્રમાં મંત્રી અમિત શાહ છે, તેથી આ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાદડિયા અગાઉ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. IFFCO ભારતીય સહકારી સંઘની માલિકીપણા હેઠળ છે. વર્ષ 1967માં ફક્ત 57 સહકારી સમિતિઓની સાથે આ સમિતિમાં આજે 36,000 કરતા પણ વધારે ભારતીય સહકારી સમિતિઓ સામેલ છે. ખાતર બનાવીને વેચવાના મુખ્ય વ્યવસાયની ઉપરાંત આ સમિતિઓનો વ્યવસાય સામાન્ય વીમાથી માંડીને ગ્રામીણ દૂરસંચાર જેવા વિવિધ સેક્ટર્સ સુધી ફેલાયેલો છે. IFFCO ભારતના 6 કરોડ ખેડૂતોને સેવા પ્રદાન કરે છે.

આ પણ વાંચોઃIFFCOના ડિરેક્ટરની ચૂંટણીઃ બિપીન ગોતા સામે જયેશ રાદડિયાની જીત,180માંથી 114 મત મળ્યા

Back to top button