કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતધર્મવિશેષસાયન્સ એન્ડ ટેકનોલોજી

ડિજિટલ સોમનાથ : દિવાળી ઉપર સોમનાથમાં ભક્તો કરી શકશે વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન

  • દેશભરના ભાવિકો ઓનલાઈન માતા લક્ષ્મીની આરાધના કરી સોમનાથમાં પૂજિત રોજમેળ, શ્રી યંત્ર મેળવશે
  • આરાધક અને આરાધ્ય ને ટેકનોલોજીથી જોડનાર ભક્તિ સેતુ બનશે વડાપ્રધાન મોદીનું સોમનાથ ટ્રસ્ટ
  • સોમનાથ દિવાળીની રજાઓમાં આવનાર ભક્તો પણ લઈ શકશે લક્ષ્મી પૂજનનો લાભ

સોમનાથ, 16 ઓકટોબર : સનાતન ધર્મમાં સૌભાગ્યની દાયિની દિવાળીના પર્વ પર માતા લક્ષ્મીની પૂજા કરીને એમના આશીર્વાદ સાથે નવા વર્ષની શરૂઆત કરવામાં આવે છે. રિદ્ધિસિદ્ધીના દાતા શ્રી ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદ સાથે નવા રોજમેળનું પૂજન કરી અને વેપારીઓ અને પરિવારો નવા વર્ષના આર્થિક વ્યવહારોની શરૂઆત કરતા હોય છે.

આ જ પરંપરાને લોકો માટે સુલભ અને સુખદાયી બનાવના માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ભારતના વિઝનને અનુસરીને, દેશભરના ભક્તોને ઓનલાઈન માધ્યમથી સોમનાથ મંદિર ખાતે લક્ષ્મી પૂજન માટે જોડવા માટે વિશેષ ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં દિવાળીના દિવસે તા.31/10/2024 અને ગુરુવાર ના રોજ સાંજે 5:45 થી 7:00 વાગ્યા સુધી શ્રી સોમનાથ મંદિરમાં દેશભરમાં વસતા ભક્તોના લાભ માટે લક્ષ્મી પૂજનનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

લક્ષ્મીપૂજનમાં ભક્તો પ્રત્યક્ષ આવીને તેમજ ઓનલાઇન માધ્યમથી પણ પૂજા કાર્યમાં જોડાઈ શકશે. ઓનલાઈન પૂજન નોંધાવનાર ભક્તોને પૂજા કરેલ રોજમેળ, શ્રીયંત્ર, બોલપેન, સોમનાથ મહાદેવના નમન અને ભસ્મ,રુદ્રાક્ષ પ્રસાદ તરીકે એમના નોંધાવેલ એડ્રેસ પર મળે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પૂજા નોંધાવવાથી લઈને પૂજા કરેલ રોજમેળ, શ્રી યંત્ર, અને નમન ભસ્મ પ્રસાદ ઘર સુધી મેળવવા માટે માત્ર 1500₹ ની નજીવી ન્યોછાવર રાશી રાખવામાં આવી છે. ભક્તો આ પૂજા ટ્રસ્ટની ઓફિશ્યલ વેબસાઈટ somnath.org પરથી, મંદિરના પૂજાવિધિ કાઉન્ટર પરથી, અથવા આપેલ QR કોડ દ્વારા નોંધાવી શકશે.

દેશભરના ભક્તો, જેમણે સોમનાથ વર્ચ્યુઅલ લક્ષ્મી પૂજન નોંધાવ્યું છે, તેઓને ઓનલાઇન મીટિંગ દ્વારા આ પૂજામાં જોડવામાં આવશે. સોમનાથમાં પ્રત્યક્ષ લક્ષ્મી પૂજન તેમજ વર્ચ્યુઅલ પૂજા ગૃહમાં મર્યાદિત સ્લોટ્સ હોવાથી, એડવાન્સ રજીસ્ટ્રેશન અપેક્ષિત છે. તો ચાલો આ દિવાળીએ શાંતિના દાતા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં લક્ષ્મી પૂજન કરીને આપણા વ્યવસાયિક વિકાસના આશીર્વાદ અને સ્વસ્થ નિરોગી સૌભાગ્યની વર્ષા મેળવીએ.

Back to top button