અમદાવાદની રિક્ષાઓમાં આજથી ડિજિટલ મીટર ફરજિયાત કરવામાં આવ્યું
અમદાવાદ, 1 જાન્યુઆરી, 2025: અમદાવાદમાં આજે નવા વર્ષથી રિક્ષાઓમાં ડિજિટલ મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે અગાઉ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે રીક્ષાચાલકો માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. જે મુજબ આજે એટલે કે 1 જાન્યુઆરી 2025થી શહેરમાં ચાલતી તમામ રીક્ષાઓમાં ડિજિટલ મીટર લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે, જે અંગે આજથી અમલવારી શરૂ થઈ ગઈ છે. જાહેરનામા મુજબ, જો રીક્ષાઓમાં ડિજિટલ મીટર લગાવવામાં આવ્યા નહી હોય તો આવા રીક્ષાચાલકો સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. આ સાથે રીક્ષામાં જરૂરી તમામ ડોક્યુમેન્ટ રાખવા પડશે, ઉલ્લેખનીય છે કે આ વાત અંગે 15 દિવસ પહેલા જ રીક્ષાચાલકોને સૂચના આપવામાં આવી હતી.
ડિજિટલ મીટર વગરના રિક્ષાચાલક વિરુદ્ધ કાર્યવાહી થશે
રિક્ષામાં ડિજિટલ મીટર રાખવા આજથી ફરજિયાત કરવામાં આવ્યા છે. જો કોઈ રિક્ષામાં ડિજિટલ મીટર નહીં હોય તો રિક્ષાચાલક વિરુદ્ધ કાર્યવાહી થશે. આ અંગે રિક્ષાચાલકોનું કહેવું છે કે, આ નિયમથી મુસાફરો સાથે ઘર્ષણ કે વિવાદ નહીં થાય પરંતુ શટલ રિક્ષાચાલકોના ધંધાને માઠી અસર પડે તેવી આશંકા છે. તો ડિજિટલ મીટર લગાવવા માટે ગેરેજ સંચાલકો લૂંટ ચલાવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
અગાઉ રીક્ષાચાલકોએ ડિજિટલ મીટર વગર જ મોંઘા ભાડા સાથે મુસાફરોને સવારી કરાવતા હતા, પરંતુ હવે તેની સામે પોલીસ દ્વારા આજે 1 જાન્યુઆરી 2025થી કાર્યવાહી કરવામાં આવશે. જેથી દરેક રીક્ષાચાલકે મીટર લગાવવું જ પડશે.
બીજી તરફ શહેરમાં ફરતી કેટલી રીક્ષાઓમાં મીટર લગાવવામાં આવ્યું નથી તેના કોઈ ચોક્કસ આંકડા પણ RTO પાસે નથી, કારણ કે રીક્ષા જેવા વાહનોમાં દર વર્ષે RTO પાસેથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું જરૂરી છે.
કેટલાક રીક્ષાચાલકો ગેરરીતિ આચરે છે જેમાં રીક્ષાચાલકો જ્યારે ફિટનેસ સર્ટિફિકેટ લેવાનું હોય ત્યારે રિક્ષામાં ડિજિટલ મીટર લગાવી દે છે અને આ ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા પછી રિક્ષામાંથી ડિજિટલ મીટર હટાવી લે છે.
આ પણ જૂઓ: અમદાવાદ: શેરબજારમાં કાળા નાણાંને સફેદ કરવાનું રૂ.10000 કરોડનું કૌભાંડ!