સ્ટાર્ટ-અપ શરૂ કરવામાં મુશ્કેલીઓ છે અને નાણાં કેવી રીતે મેળવશો ? આ રહ્યુ એક્સપર્ટનું માર્ગદર્શન


સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI)તથા સાસભૂમિ સુરત અને ઓનસ્યોરીટીના સંયુકત ઉપક્રમે તાજેતરમાં ‘ફંડ્સ અપ’ઉપર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.SGCCIના પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વમાં થર્ડ લાર્જેસ્ટ ઇકો સિસ્ટમ બની ગયું છે. ઇકો સિસ્ટમ ડેવલપ કરવાની દિશામાં ગુજરાત છેલ્લાં ત્રણ વર્ષથી મોખરે રહયું છે ત્યારે ગુજરાતમાં સુરત આગળ વધી રહયું છે. આથી તેમણે યુવા સાહસિકોને ઉદ્યોગોમાં નવું સાહસ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
‘જર્ની ફ્રોમ ઝીરો ટુ વન’વિષય ઉપર પેનલ ડિસ્કશન યોજાઇ હતી. જેમાં ઓનસ્યોરીટીના કો–ફાઉન્ડર કુલીન શાહ, પ્લશ્વી ડોટ ઇનના ફાઉન્ડર એન્ડ સીઇઓ આગમ શાહ, યાર્ન બજારના ફાઉન્ડર એન્ડ સીઇઓ પ્રતીક ગડીયાએ અને રિફ્રેન્સના ફાઉન્ડર નમન સરાવગીએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. ઝીરો ટુ વનમાં ઉદ્યોગ સાહસિક તેની ફિકસ સેલરી છોડીને કંઇક બનવા અથવા બનાવવા માગે છે ત્યારે તેની સફર વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. પેનલિસ્ટોએ જણાવ્યું હતું કે, ઝીરો ટુ વનની જર્ની અનુભવની સાથે બદલાતી રહે છે.
આ ઉપરાંત ‘મેટ્રિકસ બિહાઇન્ડ સ્ટાર્ટ–અપ્સ’વિષય ઉપર યોજાયેલી પેનલ ડિસ્કશનમાં પેનલિસ્ટ તરીકે ભાગ લેનારા વ્હાઇટબોર્ડ કેપિટલના સિનિયર એસોસીએટ સુબોધ જાલોરી, બિઝસોમિયાના ફાઉન્ડર મનોજ અડવાણી અને નેકસસ વેન્ચર્સ પાર્ટનર્સના ટેક ઇન્વેસ્ટર્સ ભુવન બીજાવતે મંતવ્યો રજૂ કરી સ્ટાર્ટ–અપ માટેની સફર વર્ણવી તેમાં આવતા ઉતાર – ચડાવ વિશે માહિતી આપી હતી.
પેનલિસ્ટોએ જણાવ્યું હતું કે, વેલ્યુએશન તથા ફન્ડીંગ કરતા આઇડીયા અને એકઝીકયુશન મહત્વનું હોય છે. સ્ટાર્ટ–અપે કેવા મેટ્રિકસ બનાવવા જોઇએ તથા વેન્ચર કેપીટલ ફર્મના રિટર્ન વિષે માહિતી આપી હતી. વેન્ચર કેપીટલ ફર્મ ફંડ સિવાય એડીશનલ શું આપી શકે તેના માટે ચર્ચા કરવાનું સૂચન ઉદ્યોગ સાહસિકોને કરવામાં આવ્યું હતું. સાથે જ તેઓએ વેન્ચર કેપીટલ ફર્મ સ્ટાર્ટ–અપ પાસે શું અપેક્ષા રાખે છે તેનો આખો ચિતાર આપ્યો હતો.
SGCCIની સ્ટાર્ટ–અપ એન્ડ ઇનોવેશન કમિટીના કો–ચેરમેન પુનિત ગજેરાએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું અને કો–ચેરમેન રાજેશ મહેશ્વરીએ પેનલિસ્ટોનો પરિચય આપ્યો હતો. સ્ટાર્ટ–અપ એન્ડ ઇનોવેશન કમિટીના ચેરમેન સીએ મયંક દેસાઇએ કાર્યક્રમનો સારાંશ રજૂ કરી જણાવ્યું હતું કે ચેમ્બર આ દિશામાં હંમેશા માર્ગદર્શક કાર્યક્રમો કરતું રહેશે અને ચેમ્બર દ્વારા વિનામૂલ્યે માર્ગદર્શન પણ આપવામાં આવે છે. અંતે ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ સર્વેનો આભાર માની કાર્યક્રમનું સમાપન કર્યું હતું.