મંકીપોક્સ અને ચિક્નપોક્સનો ખતરો, જાણો- બન્નેના લક્ષણો વચ્ચે કેટલો તફાવત ?


છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. લોકો કોરોના સાથે જીવતા શીખી રહ્યા હતા કે મંકીપોક્સે દસ્તક આપી દીધી છે. આ વાયરસ દુનિયાના તમામ દેશોમાં ફેલાઈ રહ્યો છે. તેણે ભારતમાં પણ દસ્તક આપી છે.

આ બધા વચ્ચે એ જાણવા મળ્યું છે કે મંકીપોક્સ અને ચિકનપોક્સના લક્ષણો લગભગ સમાન છે. ત્વચા પર ચકામા અને તાવ એ બંને વાયરસના સામાન્ય લક્ષણોમાંનું એક છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઉભો થાય છે કે કોઈપણ દર્દી આ બે વાયરસ વચ્ચેનો તફાવત કેવી રીતે સમજે છે.

ચિકનપોક્સ અને મંકીપોક્સના લક્ષણો જે રીતે દેખાય છે તેમાં ફરક હોવાનું ડોક્ટરોનું માનવું છે. ડોકટરોના મતે, મંકીપોક્સ એ એક વાયરલ ઝૂનોસિસ (પ્રાણી-થી-માનવ રોગ) છે જે ભૂતકાળમાં શીતળાના દર્દીઓમાં જોવા મળતા લક્ષણો જેવા જ છે. મંકીપોક્સ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ અથવા પ્રાણી દ્વારા મનુષ્યમાં ફેલાય છે. તે દૂષિત વસ્તુઓ દ્વારા પણ ફેલાઈ શકે છે. મંકીપોક્સ વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના પ્રવાહી, ઘા, શ્વસનના ટીપાં અને પથારી જેવી સામગ્રી સાથે નજીકના સંપર્ક દ્વારા પણ ફેલાય છે.

નિષ્ણાંતોની વાત માનીએ તો, વરસાદની સિઝનમાં વાઇરલ ઇન્ફેક્શનનું જોખમ વધારે હોય છે. આવી સ્થિતિમાં વધુ લોકો ચિકનપોક્સ અથવા અન્ય વાયરસનો શિકાર બને છે. ચિકનપોક્સના દર્દીઓમાં ફોલ્લીઓ અને ઉબકા જેવા લક્ષણો પણ જોવા મળે છે. આ જ કારણ છે કે દર્દીઓ મૂંઝવણમાં આવી રહ્યા છે અને ચિકનપોક્સને મંકીપોક્સ સમજવાની ભૂલ કરી રહ્યા છે. નિષ્ણાંતોના કહેવા મુજબ, જો કોઈ પણ દર્દીમાં શીતળાના લક્ષણો જોવા મળે તો સૌ પ્રથમ તેમણે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.