શું તરસ્યા કાગડાની પંચતંત્રની વાર્તા જીવંત થઈ? આ વાયરલ વીડિયોનું શું રહસ્ય છે?
- આજે કાળી ચૌદસના તહેવારની કરવામાં આવી રહી છે ઉજવણી
- સોશિયલ મીડિયામાં બાળપણની તરસ્યા કાગડાની વાર્તાને જીવંત કરતો વિડીયો વાયરલ
આજે કાળી ચૌદસનો તહેવાર ઉજવામાં આવી રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયામાં બાળપણની તરસ્યા કાગડાની વાર્તાને જીવંત કરતો એક વિડીયો વાયરલ થયો છે. (જૂઓ અહીં નીચે) જેમાં પંચતંત્રની તરસ્યા કાગડાની વાર્તા જીવંત થઈ હોય તેવું લાગી રહ્યું છે. બાળપણમાં અભ્યાસ દરમિયાન તરસ્યા કાગડાની વાર્તા તો સૌ કોઈએ વાંચી હશે! જેમાં કાગડાને કેન્દ્રમાં રાખી અને સંદેશો આપવામાં આવ્યો હતો કે, “જે લોકો પ્રયત્ન કરે છે તે ક્યારેય હારતા નથી! તેઓને સફળતા જરૂર મળે છે.” આ વાર્તામાં કાગડો કેવી રીતે પોતાની ચતુરાઇનો ઉપયોગ કરીને પોતાની તરસ દૂર કરે છે તે વિશે જણાવવામાં આવ્યું છે.
Panchtantra ki kauwe ki kahani yaad hai na !pic.twitter.com/VXKPHZYBD0
— Kumar Manish (@kumarmanish9) November 10, 2023
નીતિકથાઓ માટે પંચતંત્રનું સ્થાન પ્રથમ રહેલું છે. પંચતંત્રની રચના સંસ્કૃત ભાષામાં કરવામાં આવેલી હતી. આ કથાઓની રચના પંડિત વિષ્ણુશર્મા દ્વારા કરવામાં આવી હતી. તેની મૂળ બૂક હાલ ઉપલબ્ધ નથી પરંતુ અનુવાદના આધારે તે ત્રીજી શતાબ્દીની આસપાસ લખવામાં આવી હશે તેવું અનુમાન રહેલું છે. પંચતંત્રની વાર્તાઓને મુખ્યત્વે પાંચ ભાગોમાં વહેચવામાં આવે છે. મિત્રભેદ, મિત્રલાભ, કાકોલુકિયમ, લબ્ધપ્રનાશ, અપરિચિત પરિબળો. પંચતંત્રની આ વાર્તાઓમાં માણસો સાથે પશુ અને પક્ષીઓને પણ પાત્રો તરીકે દર્શાવવામાં આવ્યા છે. જે લોકોને એક અલગ રોમાંચ અને જ્ઞાન આપે છે. પંચતંત્રની વાર્તાઓ એક ક્રમમાં આપવામાં આવેલી છે આથી જ્યારે પણ કોઈ વાર્તા પૂરી થશે ત્યાથી નવી વાર્તા શરૂ થશે.
પંચતંત્ર મુજબ તરસ્યા કાગડાની આ વાર્તા પરથી શીખ લેવા જેવુ !
પંચતંત્રની આ વાર્તામાં એક તરસ્યો કાગડો હોય છે. જે ઉનાળાના દિવસોમાં ઊડતો-ઊડતો ખૂબ દૂર નીકળી ગયો હોય છે. એવામાં તેને બહુ જ તરસ લાગે છે અને તરસથી તેનો કંઠ શોષાવા લાગે છે પરંતુ આજુબાજુમાં કોઈ નદી કે તળાવ ન હતા. પાણીની શોધમાં તે આમતેમ ભટકવા માંડે છે. ઘણી શોધ કરવા છતાં તેને ક્યાંયથી પાણી મળતું નથી. આવી સ્થિતિ વચ્ચે અચાનક તેની નજર એક કોઠી જેવા વાસણ પર પડે છે અને તેના આનંદનો પાર રહેતો નથી અને ઝડપથી તે કોઠી જેવા વાસણ પાસે પહોંચી જાય છે. તેને થયું મહેનતનું ફળ મળ્યું ખરું! પરંતુ જોયું તો કોઠીમાં પાણી તો હતું પણ ઠીક-ઠીક તળિયે હતું. તરસ્યા કાગડાએ પાણી પીવા ડોક લંબાવી પણ તેની ચાંચ તળિયે પડેલા પાણી સુધી પહોંચી નહિ. પાણી પીવા તેણે ઘણી મહેનત કરી અને ખૂબ ઊંચો નીચો થયો,પરંતુ બધી જ મહેનત નકામી ગઈ. પણ તે અંત સુધી હિંમત ન હાર્યો અને ખંતથી કામ લેવાનું તેણે નક્કી કર્યું. કાગડો ચતુર હતો અને અંતે કાગડોએ યુક્તિ વિચારે છે. તેણે આજુબાજુ નજર કરી. બાજુમાં કાંકરાનો ઢગલો પડેલો હતો તે જોઈને તે મનમાં હરખાયો. તેને યુક્તિ સૂઝી ગઈ. જો કે એમાં ઘણી જ ધીરજ અને મહેનતની જરૂર હતી. તરસે મરવા કરતાં મહેનત કરવી સારી એમ વિચારી તેણે ઢગલામાંથી પોતાની ચાંચ વડે કાંકરા ઉપાડ્યા અને કોઠીના વાસણમાં નાખવાનું શરૂ કર્યું. તેણે વારાફરતી ઊડી ઊડીને કાંકરા કોઠીમાં નાખવા માંડ્યા. કોઠીમાં કાંકરા જેમ જેમ પડતા ગયા. તેમ તેમ કોઠીનું પાણી ઉપર સુધી આવતું ગયું. પાણી છેક કાંઠા સુધી ઉપર આવ્યું ત્યાં સુધી કાગડાએ કાંકરા નાંખ્યા અને અંતે તનતોડ મહેનત બાદ કાગડાએ ચાંચ બોળી ધરાઈને પાણી પી લીધું. કાગડો પેટ ભરીને પાણી પી ખુશ થયો અને પોતાના મુકામ તરફ ઊડી ગયો. આ વાર્તા પરથી શીખવા મળે છે કે, જ્યાં ચતુરાઈ અને મહેનત બન્ને સાથે હોય ત્યાં ગમે તેટલું અઘરું કામ પણ અઘરું રહેતું નથી.
આ પણ વાંચો :દિવાળી પર બનશે દુર્લભ યોગઃ આ રાશિઓ પર લક્ષ્મીજીની કૃપા