ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મુસ્લિમોને અનામત આપવા કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે મોટો ખેલ પાડ્યો? જાણો શું થયું

  • કર્ણાટક સરકારે રાજ્યના તમામ મુસ્લિમોને OBC અનામત હેઠળ સમાવી લીધા!  

કર્ણાટક, 24 એપ્રિલ: કર્ણાટક સરકાર પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે. કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર ધર્મના આધારે પછાત વર્ગ માટે અનામત ક્વોટામાં મુસ્લિમ સમુદાયને સ્થાન આપવાનો એટલે કે OBC સમુદાયના અધિકારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે છત્તીસગઢમાં ચૂંટણી રેલીમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને નેશનલ બેકવર્ડ કમિશન પણ આ અંગે સક્રિય છે. PM મોદીએ રેલીમાં કહ્યું હતું કે, “કર્ણાટકની કોંગ્રેસ સરકારે વધુ એક પાપ કર્યું છે. મુસ્લિમ સમાજની તમામ જ્ઞાતિઓને OBC ક્વોટામાં સમાવીને તેમને OBC બનાવ્યા છે. જેનો અર્થ એ થયો કે આપણા OBC સમુદાયને જે લાભ મળતો હતો તેનો મોટો હિસ્સો કાપી નાખવામાં આવ્યો છે.” આ મુદ્દે રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસ અને ભાજપ આમને-સામને છે. આવી સ્થિતિમાં, આપણે સમજવું પડશે કે આ સમગ્ર મામલો શું છે અને તે કેવી રીતે બહાર આવ્યો.

હકીકતમાં, રાષ્ટ્રીય પછાત આયોગને કર્ણાટકમાં OBC અનામત ક્વોટામાં ગેરરીતિઓ અંગે માહિતી મળી હતી. જે બાદ આયોગે છેલ્લા 6 મહિનામાં તેની તપાસ શરૂ કરી હતી. પંચે તેની તપાસ દરમિયાન ખુલાસો કર્યો હતો કે, મુસ્લિમોને સરકારી નોકરીઓ, મેડિકલ, એન્જિનિયરિંગ એડમિશન અને અન્ય સરકારી પોસ્ટમાં વધુ પડતી અનામત આપવામાં આવી રહી છે. ગત વર્ષે રાજ્યની સરકારી PG મેડિકલની 930 બેઠકોમાં આપવામાં આવેલી અનામતની તપાસ કરવામાં આવી ત્યારે આશ્ચર્યજનક હકીકતો સામે આવી હતી. પંચને જાણવા મળ્યું હતું કે, 930માંથી 150 બેઠકો મુસ્લિમ વર્ગ માટે અનામત રાખવામાં આવી છે, જે કુલ બેઠકોના આશરે 16 ટકા છે. મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, આ લાભો મુસ્લિમ સમુદાયની તે જાતિઓને પણ આપવામાં આવ્યા છે જેઓ અનામતના દાયરામાં આવતી નથી. હવે નેશનલ બેકવર્ડ કમિશને આ મુદ્દો ઉઠાવીને રાજ્ય સરકારને ભીંસમાં મૂકી છે. આયોગે રાજ્યના મુખ્ય સચિવને બોલાવીને આ મામલે સ્પષ્ટતા માંગે છે.

OBC આયોગના અધ્યક્ષ હંસરાજ આહિરે શું કહ્યું?

 

OBC આયોગના અધ્યક્ષ હંસરાજ આહિરે કહ્યું કે, “કર્ણાટકમાં મેડિકલ PGની 930 સીટોમાંથી મુસ્લિમ સમુદાય માટે 150 સીટો પર અનામત આપવામાં આવી છે, જે લગભગ 16% છે. એવું લાગે છે કે, OBC વર્ગ માટે અનામત ક્વોટા સાથે ચેડા કરવામાં આવ્યા છે અને સામાન્ય OBCના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.” તેમણે વધુમાં કહ્યું કે, “કર્ણાટકમાં કુલ 34 મુસ્લિમ OBC જાતિઓ કેટેગરી 1B અને B2માં આવે છે, પરંતુ જે અનામત આપવામાં આવી છે તે સમગ્ર મુસ્લિમ જાતિઓને આપવામાં આવી છે. જ્યારે અમે પૂછ્યું કે, તેઓએ 4 ટકાને બદલે 16 ટકા અનામત કેવી રીતે આપી, તો તેમને અસ્પષ્ટ જવાબ મળ્યો.” હંસરાજ આહિરે કહ્યું કે, “અમે કર્ણાટક સરકાર પાસે સ્પષ્ટતા માંગી છે. અમે કર્ણાટકના મુખ્ય સચિવને બોલાવી રહ્યા છીએ. અમે મૂળ OBCના અધિકારોને કોઈપણ રીતે મરવા નહીં દઈએ. આ અમારા આયોગનું કામ છે. જો જરૂર પડશે તો અમે તેમને કર્ણાટકમાં OBC અનામત ક્વોટામાંથી કાઢી નાખીશું. અમે રાષ્ટ્રપતિને પણ ફરિયાદ કરી શકીએ છીએ. ઘણા કાયદાકીય ઉપાયો છે.”

આ મામલે આંકડાઓ શું કહે છે?

કર્ણાટક પછાત વર્ગ કલ્યાણ વિભાગના ડેટા અનુસાર, મુસ્લિમ ધર્મની અંદરની તમામ જાતિઓ અને સમુદાયોને પછાત વર્ગોની રાજ્ય યાદીમાં કેટેગરી IIB હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ (NCBC)એ ગયા વર્ષે શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં OBC માટે રાજ્યની અનામત નીતિની તપાસ કરી હતી.

કમિશને એક નિવેદનમાં કહ્યું છે કે, પછાત જાતિ તરીકે મુસ્લિમોનું વ્યાપક વર્ગીકરણ સામાજિક ન્યાયના સિદ્ધાંતોને નબળા પાડે છે. ખાસ કરીને હાંસિયામાં ધકેલાઈ ગયેલી મુસ્લિમ જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત તરીકે ઓળખાય છે. મહત્ત્વપૂર્ણ છે કે, કર્ણાટક સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં મુસ્લિમો સહિત પછાત વર્ગોને 32 ટકા અનામત મળે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ કર્ણાટકમાં મુસ્લિમોની વસ્તી 12.92 ટકા છે.

આ પણ જુઓ: પિત્રોડાના નિવેદનથી જેનો વિવાદ છેડાયો છે એ વારસાગત ટેક્ષ ખરેખર શું છે?

Back to top button