સુરેન્દ્રનગરમાં મોટી દુર્ઘટના ટળી, જર્જરીત બ્રિજ ધરાશાયી, 4 ઘાયલ


સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી દુર્ઘટના ટળી છે. નદી પરનો જર્જરીત બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના સામે આવી છે. વસ્તડી અને ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો છે. બ્રિજ તૂટતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહનવ્યવહાર ચાલુ હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
4 ઘાયલ લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ
આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થતાં તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા. પુલ પરથી જ્યારે ડમ્પર પસાર થયું ત્યારે અચાનક પુલનો એક ભાગ ધરાશાયી થઈને નદીમાં ખાબક્યો હતો. ત્યારે પુલ પરથી તે જ સમયે પસાર થઈ રહેલું બાઇક પણ નદીમાં પટકાયું હતું. આ દુર્ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ સહિતના અગ્રણીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચોઃ રાજકોટમાં મોટી દુર્ઘટના, વોકળા ઉપરનો સ્લેબ ધરાશાયી થતા એક મહિલાના મોતની આશંકા, 20થી વધુ ઘાયલ
જર્જરીત બ્રિજ બંધ કરવા કરી હતી રજૂઆત
સ્થાનિકો, ગામના સરપંચ અને અગ્રણીઓનું કહેવું છે કે, બ્રિજ જર્જરીત હાલતમાં છે, જેથી તેને બંધ કરવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રએ આ વાતને ધ્યાને લીધી નહીં અને અંતે બ્રિજ ધરાશાયી થયો. ત્યારે, જો મોટી દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ તેવા અનેક સવાલ ઉભા થયા છે.