શું JNUની આર્થિક હાલત એટલી બધી કથળી ગઈ કે મિલકતો વેચવા કાઢી? જાણો મામલો
- જેએનયુના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કહ્યું કે યુનિવર્સિટી ભંડોળની અછત સાથે સંઘર્ષ કરી રહી છે. અને તેના કારણે હવે તે પોતાની પ્રોપર્ટી વેચવાની તૈયારી કરી રહી છે
દિલ્હી, 18 ઓગસ્ટ: જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી JNU તરીકે પણ ઓળખાય છે. તે ભારતની જાણીતી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે. છેલ્લા ઘણા વર્ષોમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીને દેશની નંબર વન યુનિવર્સિટી પણ જાહેર કરવામાં આવી છે. દેશના મોટા નામોએ આ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. જેએનયુમાં પ્રવેશ મેળવવા માટે તમારે એન્ટ્રન્સ ટેસ્ટ આપવી પડશે. જે તદ્દન મુશ્કેલ છે. આ યુનિવર્સિટીમાં શિક્ષણ ઉચ્ચ સ્તરનું છે, તો બીજી બાજુ ફી ખૂબ જ ઓછી છે. અને હવે આ કારણ યુનિવર્સિટી માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી રહ્યું છે. તાજેતરમાં, જેએનયુના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે કહ્યું હતું કે યુનિવર્સિટી ભંડોળની અછતનો સામનો કરી રહી છે. અને તેના કારણે હવે તે પોતાની પ્રોપર્ટી વેચવાની તૈયારી કરી રહી છે.
જેએનયુમાં ભંડોળનો અભાવ
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે એક ખાનગી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે જેએનયુ ફંડની અછતનો સામનો કરી રહી છે. હાલમાં જેએનયુમાં આર્થિક બોજ ઘણો મોટો છે. અને તેના કારણે હવે યુનિવર્સિટી તેની કેટલીક મિલકતો વેચવાનું વિચારી રહી છે. તેમણે કહ્યું કે તે ગોમતી ગેસ્ટ હાઉસ અને 35 ફિરોઝશાહ રોડ બંને પ્રોપર્ટીનો પુનઃવિકાસ કરવા માંગે છે અને તેને જાહેર ખાનગી ભાગીદારી હેઠળ ભાડે આપવા માંગે છે. જેના કારણે યુનિવર્સિટી દર મહિને 50000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની આવક મેળવી શકે છે. આ અંગે શિક્ષણ મંત્રાલય સાથે વાત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી સંસ્થામાંથી લેવામાં આવશે ભાડું
આ સાથે વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિતે જણાવ્યું હતું કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી કેમ્પસમાં કુલ 12 સંસ્થાઓ ચાલે છે. તે તમામ ભાડું ચૂકવ્યા વગર કામ કરી રહ્યા છે. પરંતુ હવે યુનિવર્સિટી દર મહિને તે સંસ્થાઓ પાસેથી ભાડું વસૂલવાની યોજના વિચારી રહી છે. જેથી કરીને યુનિવર્સિટી પર પડતો આર્થિક બોજ ઓછો થાય. તેમણે વધુમાં કહ્યું કે યુનિવર્સિટીમાં સોલાર પેનલ લગાવવા માટે પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી વીજળીના બિલનો બોજ પણ ઓછો કરી શકાય. યુનિવર્સિટીનો મોટાભાગનો ખર્ચ વીજળીના બિલમાં જાય છે. વિદ્યાર્થીઓની ફી વધારવી એ કોઈ વિકલ્પ નથી. આથી યુનિવર્સિટીએ આ પગલું ભરવું પડશે.
દર વર્ષે સરકાર આપે છે આટલા કરોડો રૂપિયા
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી એટલે કે જેએનયુ ભારતની ટોચની યુનિવર્સિટી છે. અને તે UGC એટલે કે ભારત સરકારના યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા સંચાલિત થાય છે. દર વર્ષે ભારત સરકાર દ્વારા જેએનયુને કરોડોનું ફંડ આપવામાં આવે છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ www.jnu.ac.in પર ડેટા તપાસ્યા બાદ જાણવા મળ્યું કે કેન્દ્ર સરકાર એક વર્ષમાં JNU પર 5,59,76,20,371 રૂપિયા ખર્ચે છે.
આ પણ વાંચો: ‘અત્યારે નહિ તો ક્યારે’ કોલકાતા કાંડ પર હરભજન ગુસ્સે થયો; મમતા બેનર્જીને લખ્યો પત્ર