શું 5G દ્વારા ફેલાયો હતો કોરોના? જાણો હકીકત
શું 5G મનુષ્યો માટે ખતરો છે? શું તેનાથી કોઈ રોગ ફેલાય છે? શું તેનાં તરંગોથી પક્ષીઓ મૃત્યુ પામે છે? અને સૌથી મહત્વની વાત એ કે શું આ ટેક્નોલોજી કોરોના માટે જવાબદાર છે ? આવાં કેટલાય સવાલો 5G ટેકનોલોજી આવ્યા પછી ઉભા થયા છે. હવે આ સવાલો પાછળ કેટલું તથ્ય છે, તેના વિશે વાત કરીશું.
આ પણ વાંચો : Jio 5G નો લાભ મેળવવા જરૂરી છે આ રિચાર્જ, શું તમે કરાવ્યું છે ?
ટેકનોલોજી જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ આપણા કાર્યો સરળ થાય છે. પહેલા એક કાર્ય પૂર્ણ કરવામાં 30 મિલીસેકન્ડ લાગતા હતા પરંતુ હવે માત્ર 1 મિલીસેકન્ડ લાગે છે. ઈન્ટરનેટ સ્પીડમાં બદલાવ આવ્યો છે. કારણ કે હવે આપણી પાસે 5G ટેકનોલોજી છે. પરંતુ આ ટેકનોલોજી આવ્યા બાદ 5G ના નામે ઘણી અફવાઓ ચાલી રહી છે.
5G દ્વારા ફેલાય છે કોરોના ? અફવા કે હકીકત ?
વર્ષ 2020ની શરૂઆતમાં, જ્યારે આખું વિશ્વ લોકડાઉન, ક્વોરેન્ટાઇનમાં વ્યસ્ત હતું, ત્યારે જ વિશ્વના ઘણા ભાગોમાંથી 5G મોબાઇલ ટાવર તૂટવાના સમાચાર જોવા મળ્યા હતાં. જેનું કારણ સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા હતી કે કોરોનાનું સાચું કારણ વાયરસ નથી, પરંતુ આ ટાવરમાંથી નીકળતા કિરણો છે. જ્યારે આ સમાચાર ફેલાયા હતા ત્યારે એકલા બ્રિટનમાં જ 77 મોબાઈલ ટાવરમાં આગ લાગી હતી. આ સિવાય ઇટાલી, બેલ્જિયમ, ફ્રાન્સ જેવા યુરોપના અન્ય ઘણા દેશો પણ આમાંથી બચી શક્યા નથી. ભારત પણ આમાંથી બાકાત ન હતું. આ ટેકનોલોજીના વિરોધમાં ફેમસ એક્ટ્રેસ જુહી ચાવલાએ કોર્ટનો દરવાજો પણ ખટખટાવ્યો હતો.
આ પહેલીવાર એવું નથી કે કોઈ નવી ટેક્નોલોજી પર અફવાઓનું બજાર ગરમાયું છે. જ્યારે દુનિયામાં પહેલી ટ્રેન દોડવા લાગી હતી, ત્યારે લોકો કહેતા હતા કે વધુ ઝડપે ચાલવાથી બીમારીઓ થાય છે. ઉપરાંત 19મી સદીના અંતમાં, શીતળાના રસીકરણ સામે તોફાનો પણ થયા હતા નેવુંના દાયકામાં પણ જ્યારે મોબાઈલ તેની બાલ્યાવસ્થામાં હતો ત્યારે એવી અફવા ફેલાઈ હતી કે કાન પર ફોન મુકવાથી કેન્સર થઈ શકે છે અને કોરોના વેક્સીનને લઈને પણ ઘણાં સવાલો ઊભા થયાં હતાં. જાણે કે માત્ર વિરોધ કરવો એ માનવ સ્વભાવ થઈ ગયો છે.
વાસ્તવિકતા શું છે ?
2020 માં, બેલ્જિયમના એક અખબારમાં ડૉક્ટરનો ઇન્ટરવ્યુ પ્રકાશિત થયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે “5G ખતરનાક છે અને તે કોરોના વાયરસથી સંબંધિત હોઈ શકે છે.” અદ્ભુત વાત તો એ હતી કે આ ઈન્ટરવ્યુમાં ડોક્ટરે કહ્યું કે, ‘તેણે કોઈ તથ્ય તપાસ્યું નથી.’ પરંતુ હકીકત તો એ છે કે 5G પણ 2G, 3G અને 4G જેવી ટેકનોલોજી જ છે. 5G એ એક મોટો ફેરફાર પણ નથી પરંતુ એક વધારાનું અપડેટ છે. 5G એ 4G કરતાં ખરાબ કંઈ નથી, તે ફક્ત તમારા ઇન્ટરનેટનું દબાણ ઘટાડે છે. આનું કારણ ઉચ્ચ આવર્તન છે. જ્યારે 4G 6 GHz કરતાં ઓછી આવર્તનનો ઉપયોગ કરે છે, 5G 30 થી 300 GHz ની આવર્તનનો ઉપયોગ કરે છે.
2014ના એક રિપોર્ટમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે મોબાઈલ ફોનનો ઉપયોગ માનવ સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરતું નથી.સત્ય હકીકત એ છે કે, તે તકનીક શરીરના પેશીઓને ગરમ કરતી નથી, તો તેનાથી કોઈ જોખમ નથી. માઈક્રોવેવ અને મોબાઈલ ટેક્નોલોજીમાં વપરાતી ફ્રીક્વન્સીઝ લગભગ સમાન છે. એક તરફ, માઇક્રોવેવમાં ખોરાકને ગરમ કરવા માટે ઓછી આવર્તન રેડિયેશનનો ઉપયોગ ઉચ્ચ શક્તિ પર થાય છે, જ્યારે બીજી તરફ, મોબાઇલ ફોન તકનીકમાં, રેડિયેશન ગરમી ઉત્પન્ન ન કરે તેની કાળજી લેવામાં આવે છે. જો કે ટેક્નોલોજી આગળ વધી છે, 5G ની ફ્રીક્વન્સી 4G કરતા વધારે છે, પરંતુ એટલી બધી નથી કે માનવ શરીરના પેશીઓને કોઈ ખતરો હોય. આ નિયમ મોબાઈલ ફોન અને ટાવર બંનેને લાગુ પડે છે.
અત્યાર સુધી, 5G ના ઉપયોગથી કોઈ નુકસાન થયું હોવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા મળ્યા નથી. આજના યુગમાં આપણે આપણો સમય અને પૈસા વેડફવા માંગતા નથી. તેથી ઇન્ટરનેટ જે બતાવે છે તે સાચું માની લઈએ છીએ. થોડાક દાયકા પહેલાની વાત કરીએ અને જો કોઈને રસી વિશે કોઈ શંકા હોય તો તેઓ ડૉક્ટર પાસે જતા અને યોગ્ય સલાહ લેતાં. તેથી, જ્યાં સુધી નક્કર સાબિતી ન મળે ત્યાં સુધી આપણે નવી ટેકનોલોજીનો આનંદ માણવો જોઈએ.