હવે અબજો વર્ષોમાં નહીં, મિનિટોમાં તૈયાર થશે હીરા, વૈજ્ઞાનિકોએ શોધી કાઢી નવી ટેક્નોલોજી
દક્ષિણ કોરિયા, 27 એપ્રિલ : હીરો એક કિંમતી પથ્થર છે, જે પૃથ્વી પર મર્યાદિત માત્રામાં જોવા મળે છે. કુદરતી હીરાને બનાવવામાં અબજો વર્ષ લાગે છે, જ્યારે પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરાને કેટલાંક અઠવાડિયા લાગે છે. જો કે, હવે વૈજ્ઞાનિકોએ આ કિંમતી ધાતુ બનાવવાની પદ્ધતિ શોધી કાઢી છે જેનાથી થોડા કલાકોમાં હીરા તૈયાર થઈ જશે. આ શોધ દક્ષિણ કોરિયાના ઇન્સ્ટિટ્યૂટ ફોર બેઝિક સાયન્સના સંશોધકો દ્વારા કરવામાં આવી છે.
દક્ષિણ કોરિયાના વૈજ્ઞાનિકોએ વિશિષ્ટ ધાતુઓનું મિશ્રણ કરીને એક પ્રવાહી બનાવ્યું છે જે અત્યંત દબાણની જરૂરિયાતને દૂર કરે છે, જે શુદ્ધ હીરાના ઉત્પાદન માટે જરૂરી છે. નવી ટેક્નોલોજીને હીરાના ઉત્પાદનમાં ઇકો-ફ્રેન્ડલી વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે, જે અન્ય ટેક્નોલોજીની સરખામણીમાં ઓછી ખર્ચાળ પણ છે.
ત્રણ કલાકમાં લેબમાં હીરો કેવી રીતે બનાવાયો?
લેબમાં હીરા બનાવવા માટે, વૈજ્ઞાનિકોએ પહેલા સિલિકોન અને પ્રવાહી જેવા કે ગેલિયમ, આયર્ન અને નિકલનું મિશ્રણ 1,800 ડિગ્રી ફેરનહીટ તાપમાને ગરમ કર્યું. પછી આ મિશ્રણને હાઇડ્રોજન અને મિથેન ગેસના સંપર્કમાં લાવવામાં આવ્યું, જેનાથી કાર્બન ગેસ ઉત્પન્ન થયો. આ સમગ્ર પ્રક્રિયામાં સિલિકોન એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. સિલિકોન અને કાર્બન ગેસના સંપર્કને કારણે, કાર્બન અણુઓ ભેગા થાય છે જેના કારણે નાના સ્ફટિકો બને છે. આ રીતે, જે કૃત્રિમ હીરાને બનાવવામાં અઠવાડિયા લાગ્યા હશે તે માત્ર થોડા કલાકોમાં તૈયાર થઈ જશે.
સંશોધનના વરિષ્ઠ લેખક રોડની રૂફે સમગ્ર પ્રક્રિયામાં સિલિકોનની મહત્ત્વની ભૂમિકા પર ભાર મૂકતાં કહ્યું કે, ‘જો આપણે સિલિકોન નહીં ઉમેરીએ તો આપણને હીરા નહીં મળે.’ તેમણે દાવો કર્યો હતો કે આ ટેક્નોલોજી લેબમાં હીરા ડેવલોપ કરવામાં અને હીરા ઉદ્યોગમાં ક્રાંતિ લાવી શકે છે.
સાઉથ કોરિયાની લેબમાં 150 મિનિટમાં બનેલો હીરો ખૂબ જ નાની સાઈઝનો છે. આ રીતે બનેલા હીરા હાલમાં લગભગ 100 નેનોમીટર જેટલા છે. જે એક સામાન્ય વાયરસના કદ જેટલું છે, જો કે, આ ટેક્નોલોજીનો વિકાસ આશાવાદી છે. તેમણે કહ્યું, ‘વિશ્વભરની ઘણી પ્રયોગશાળાઓ આ રીતે હીરાનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહી છે.
વાસ્તવિક અને નકલી વચ્ચે તફાવત કરવો સરળ નથી
જ્યારે દૂરથી જોવામાં આવે તો, પ્રયોગશાળામાં બનાવવામાં આવેલા હીરા કુદરતી હીરા જેવા દેખાય છે. આ બંનેના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો એટલા સમાન છે કે ‘હીરા શોધક’ પણ તેમને અલગ પાડવામાં નિષ્ફળ જાય છે. જો કે, ખાસ મશીનોનો ઉપયોગ કરીને અસલી અને નકલી વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ જાય છે.
લેબમાં બનાવવામાં આવતા હીરાનું બજાર સતત વધી રહ્યું છે. 2015માં વૈશ્વિક હીરાના વેચાણમાં તેમનો હિસ્સો 1 ટકાથી ઓછો હતો. જ્યારે છેલ્લા વર્ષમાં તેમનો બજાર હિસ્સો લગભગ 20 ટકા થઈ ગયો છે.
પર્યાવરણ માટે પણ સારું
લેબમાં બનાવવામાં આવતા હીરા પરંપરાગત હીરાની ખાણકામ સાથે સંકળાયેલી પર્યાવરણીય અસરને ઘટાડી શકે છે. હકીકતમાં, કુદરતી હીરાના ખાણકામ માટે મોટાભાગે જમીનના મોટા વિસ્તારોને સાફ કરવાની જરૂર પડે છે. આમ કરવાથી, વૃક્ષો પણ મોટા પાયે કાપવામાં આવે છે, જે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. મીડિયા અહેવાલો અનુસાર, હીરાના ખાણકામના પ્રત્યેક કેરેટ માટે, આશરે 100 ચોરસ ફૂટ જમીન પ્રભાવિત થાય છે અને 5,798 પાઉન્ડ ખનિજ કચરો ઉત્પન્ન થાય છે.