ડાયમંડ સીટીની ચમક પડી ઝાંખી, 2 મહિનામાં 24 કારખાના થયા બંધ, આટલા કારીગરો થયા બેરોજગાર
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગને ગ્રહણ લાગી ગયું છે. હાલ ડાયમંડ ઉદ્યોગ મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. એકપછી એક ડાયમંડ કંપનીઓ બંધ થવાથી હજારો કર્મચારીઓએ પોતાની રોજગારી ગુમાવી છે. ત્યારે રત્ન કલાકારોને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે આવકનો સ્ત્રોત જતા તેમનું જીવન અંધકારમાં ધકેલાયું છે. નવેમ્બર પછી સુરતમાં ડાયમંડ પોલિશિંગ યુનિટમાંથી 5000 જેટલા કામદારોએ તેમની નોકરી ગૂમાવી છે.
5000 ડાયમંડ કારીગરોને ગૂમાવી નોકરી
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી સુરતના હીરા ઉદ્યોગમા મંદી જોવા મળી રહી છે. જેના કારણે ઉદ્યોગકારોને ખોટ જતા તેઓએ કારીગરોની છટણી કરી રહ્યા છે. હાલ સુરતના અનેક કારીગરો હીરા પોલીસના વ્યવસાય સાથે જોડાયેલા છે. કારીગરો હીરા પોલીસ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યારે હવે તેઓએ આ મોંધવારીમાં નોકરીની છટણીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે મહિનામાં જ 24 કારખાના બંધ થયા છે. જેના કારણે 5000 ડાયમંડ કારીગરોને તેમની નોકરી ગૂમાવવી પડી છે.
દિવાળી પછી 24 નાના અને મધ્યમ કારખાના ખુલ્યા નથી
દેશભરમાં પોતાની કારીગરીના કારણે ડાયમંડ સીટી સુરતે પોતાની આગવી છાપ ઉભી કરી છે. સુરતના હીરા દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે હવે સુરતના હીરીની ચમક ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. એક અહેવાલ મુજબ નવેમ્બર પછી સુરતમાં ડાયમંડ પોલિશિંગ યુનિટમાંથી 5000 જેટલા કામદારોની છટણી કરવામાં આવી છે. સુરત રત્ન કલાકાર સંઘના અધ્યક્ષ રણમલ જિલિરિયાના જણાવ્યા અનુસાર દિવાળી પછી 24 નાના અને મધ્યમ કારખાના ખુલ્યા નથી. છટણીની વાસ્તવિક સંખ્યા વધારે પણ હોઇ શકે છે. કેટલાક યૂનિટ્સ કામના કલાક પણ ઓછા કરી હોવાનું જણાવ્યુ હતુ.
પ્રમુખ નાનુભાઈ વેકરીયા સામૂહિક છટણીની વાત ને નકારી
એક તરફ સુરતમાં કામદારોની મોટા પ્રમાણમાં છટણીના અહેવાલો મળી રહ્યા છે તો બીજી સરફ કારખાનાના માલિકોનું પ્રતિનિધિત્વ કરતા સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ નાનુભાઈ વેકરીયા સામૂહિક છટણી અથવા એકમો બંધ કરવાની વાતને નકારી હતી. પરંતુ તેમણે સ્વીકાર્યું હતુ કે ફેક્ટરીઓ ઉત્પાદનમાં ઘટાડો કરી રહી છે અને કામના કલાકો ઘટાડી રહી છે. તેમના મતે રફ ડાયમંડના ઓછા સપ્લાયને કારણે આવું થઈ રહ્યું છે.
રશિયા પાસેથી 60 ટકા કાચો માલ મળતો હતો
ઉલ્લેખનીય છે કે સુરતને તેનો લગભગ 60 ટકા કાચો માલ રશિયન સરકારી માલિકીની ખાણકામ કંપની અલરોસા પાસેથી મળતો હતો. આ અલરોસા કંપની હીરાના વૈશ્વિક પુરવઠાનો એક ક્વાર્ટર પૂરો પાડે છે. પરંતુ યુક્રેન સાથે યુદ્ધ શરૂ થયા પછી યુએસ, યુકે, કેનેડા અને અન્ય મોટા પશ્ચિમી દેશોએ અલરોસા પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે સુરતના ઉદ્યોગોને મોટો ફટકો પડ્યો છે. ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યુ હતુ કે, “અમે અલરોસામાંથી કોઈક રીતે રફ હીરા મેળવી રહ્યા છીએ. પરંતુ કંપનીનો હિસ્સો હવે ઘટીને 25-30 ટકા પર આવી ગયો છે. પ્રતિબંધોને કારણે પુરવઠો ખોરવાઈ ગયો છે અને કાચા માલની કિંમત વધી ગઈ છે.”
વિશ્વના 90 ટકા હીરાનું સુરતમાં પોલિશિંગ
સુરત હીરા ઉદ્યોગમાં ખુબ આગાળ છે. દેશ વિદેશમાં સુરતના હીરા પ્રખ્યાત છે. સૂરતમાં વિશ્વના 90 ટકા હીરા પોલિશિંગ થાય છે. સુરતમાં લગભગ 4000 ફેક્ટરીઓ નિકાસકારો સહિત મોટી કંપનીઓ પાસેથી રફ હીરા મેળવે છે. ત્યાં તેમને જ્વેલરી અનુસાર કટ અને પોલિશ કરવામાં આવે છે. આ ફેક્ટરીઓમાં 5 લાખથી વધુ કામદારો કામ કરે છે. વિશ્વના 90% હીરાનું સુરતમાં પોલિશિંગ કરવામાં આવે છે. જેનું આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ વેચાણ કરવામાં આવે છે.
આ પણ વાંચો : ઉત્તરાયણ પર ખેલાયો ખુની ખેલ, પતંગના પેચ લડાવવાની માથાકૂટમાં વૃદ્ધની હત્યા