દિયા મિર્ઝાને પોતાના ડેબ્યૂ સમયે લાગ્યો હતો આ વાતનો ડર, કહ્યું: ‘પુરૂષ અભિનેતાઓ ઇચ્છતા હતા કે…’
- બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ 2001માં ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
મુંબઈ, 10 સપ્ટેમ્બર: બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ 2001માં ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તે પહેલી ફિલ્મથી જ લોકોની ફેવરિટ બની ગઈ હતી. આજે પણ દિયાની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. પરંતુ હવે દિયા મિર્ઝાએ કહ્યું છે કે, જ્યારે તે ઈન્ડસ્ટ્રીમાં આવી હતી તે સમયગાળો અભિનેત્રીઓ માટે ઘણો મુશ્કેલ હતો. 20 વર્ષ પહેલા 2000ના દાયકાની શરૂઆતમાં અભિનેત્રીઓના વજનને લઈને ઈન્ડસ્ટ્રીને ખાસ અપેક્ષા હતી અને આ કારણે દિયા ખૂબ જ નર્વસ રહેતી હતી. મોટા સ્ટાર્સ અભિનેત્રીઓને તેમની સામે કાસ્ટ કરવા માટે ખૂબ જ ડિમાન્ડ કરતા હતા.
દિયા મિર્ઝાએ કારકિર્દીની શરૂઆતમાં કઈ-કઈ સમસ્યાઓનો સામનો કર્યો?
દિયા મિર્ઝાને કરિયરની શરૂઆતમાં વધારે સફળતા મળી ન હતી. હાલના એક ઈન્ટરવ્યુમાં જ્યારે દિયા મિર્ઝાને પૂછવામાં આવ્યું કે, શું તેને આનાથી દુઃખ થયું છે? તો તેણીએ કહ્યું કે, ‘મને દુઃખ થયું હતું. હું નર્વસ પણ હતી. હું ડરથી ભરાઈ ગઈ હતી કારણ કે અમે મીડિયાથી, ઈન્ડસ્ટ્રીથી એ જાણવા મળતું હતું કે જો તમે સ્ત્રી છો, તો તમારી પાસે શેલ્ફ લાઈફ છે. ભલે તમે તમારા 20s માં હોવ. તમને સ્ટાર્સ સાથે કાસ્ટ કરવામાં આવશે નહીં.
દિયાએ વધુમાં જણાવ્યું કે, ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ અભિનેત્રીને તેમની સાથે કાસ્ટ કરવા માટે ઘણી માગણીઓ કરતા હતા. પુરૂષ સુપરસ્ટાર્સ ચોક્કસ ઉંમરની અભિનેત્રી ઈચ્છતા હતા. તમારે એક ખાસ રીતે દેખાવવું પડતું હતું. તમારું વજન નિશ્ચિત હોવું જરૂરી હતું. દરેક અભિનેત્રી જે 2000ના દાયકાની શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીમાં આવી, તેમને કહેવામાં આવ્યું કે તમારું ચોક્કસ વજન હોવું જોઈએ, તમારે આવું દેખાવું પડશે. તમારે સિંગલ હોવું જરૂરી છે.
દિયા મિર્ઝાની કારકિર્દી
દિયા મિર્ઝાએ ગૌતમ મેનનની ફિલ્મ ‘રહેના હૈ તેરે દિલ મેં’થી અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને આર. માધવન હતા. આ પછી, તે દમ, તહઝીબ, તુમસા નહીં દેખા, પરિણીતા અને લગે રહો મુન્ના ભાઈ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી.
દિયા હાલમાં જ અનુભવ સિન્હાની નેટફ્લિક્સ વેબ સીરિઝ ‘IC 814: The Kandahar Hijack‘ માં જોવા મળી છે. દિયાએ આ શોમાં પત્રકારની ભૂમિકા ભજવી છે. તેની સાથે નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, વિજય વર્મા, કુમુદ મિશ્રા અને મનોજ પાહવા જેવા કલાકારો આ શોનો હિસ્સો છે.
‘IC 814’ ડિસેમ્બર 1999ની વાસ્તવિક ઘટના પર આધારિત છે, જ્યારે કાઠમંડુથી દિલ્હી જતી ફ્લાઈટને પાંચ આતંકવાદીઓએ હાઈજેક કરી હતી. આ ફ્લાઈટ અનેક જગ્યાએથી પસાર થયા બાદ આખરે અફઘાનિસ્તાનના કંદહાર લઈ જવામાં આવી હતી. ભારતે તેના મુસાફરો અને ફ્લાઇટ ક્રૂના જીવના બદલામાં ત્રણ આતંકવાદીઓને છોડવા પડ્યા હતા. ‘IC 814’ Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.
આ પણ જૂઓ: 5 બોલિવૂડ સેલેબ્સ જેમણે ગણેશ ચતુર્થીના તહેવાર પર લાલ રંગને કર્યો ફલોન્ટ