ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગ
ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય વસોયા ભાજપમાં જોડાશે ! ગામે ગામ ચર્ચાઓ કરી મત જાણી લીધો ?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષમાં જ હોય રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. થોડા સમય પહેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસમાં નારાજગી વ્યક્ત કરીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. બાદમાં કમલમ ખાતે કેસરીયો ધારણ કરી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો હતો. ત્યારે હાર્દિકના એક સમયના સાથી અને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ કેસરીયો ધારણ કરવાના મૂડમાં હોય તેવી ચર્ચા ઉઠી છે. સુત્રોનું માનીએ તો તેઓએ આ અંગે તેમના મત વિસ્તારમાં આવતા ગામડાઓમાં વસતા લોકોની મનની વાત જાણી હતી અને આખરે તમામના મત મેળવી તેઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લઈ લીધો છે.
પહેલા કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપમાંથી નીકળ્યા, હવે રૂપાણી સાથે ગહન ચર્ચા કરતી તસવીર સ્ટેટસમાં મૂકી
ઉલ્લેખનીય છે કે લલીત વસોયા પક્ષથી નારાજ છે તેનું તાજું ઉદાહરણ હમણાં જ સામે આવ્યું હતું. વસોયા 11 દિવસ પહેલા જ કોંગ્રેસના અમુક વોટ્સએપ ગ્રુપમાંથી લેફ્ટ થયાના સ્ક્રિનશોટ્સ વાઇરલ થયા હતા. તેવામાં હવે રૂપાણી સાથે ગહન ચર્ચા કરતી તસવીર પોતાના જ વોટ્સએપ સ્ટેટસમાં મૂકતા રાજકારણ ગરમાયું છે. મહત્ત્વનું છે કે ઉપલેટામાં 1 જૂને શહીદ વીર રમેશ જોગલની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાજર રહ્યા હતા. આ સમયે વિજય રૂપાણી અને લલિત વસોયા એકબીજાની પાસે બેઠા હતા અને બન્ને વચ્ચે ગહન ચર્ચા થઈ હોય તેવી તસવીર પણ સામે આવી હતી. આ જ તસ્વીરનો એક ભાગ વસોયાએ ગત તા.14ના પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પણ મુક્યો હતો.
પૂર્વ મંત્રી રાદડીયાની કથામાં પણ આપી હતી હાજરી
લલીત વસોયા ભાજપના સંપર્કમાં હોય તેવો એક અન્ય પુરાવો પણ સામે આવ્યો હતો જેમાં તાજેતરમાં જ જામકંડોરણા ખાતે પૂર્વ મંત્રી અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. જેમાં લલિત વસોયાએ હાજરી આપી હતી. જયેશ રાદડિયા દ્વારા લલિત વસોયાનું મોમેન્ટો આપી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. જો કે આ બાબતને માત્ર સમાજના કામ સાથે જોડી આગળ મુકવામાં આવી રહી છે પણ તેની પાછળની હકીકત કંઈક અલગ છે.