ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક મોટી ઘટના બની છે. ચેન્નાઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજા પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી અને ફરી કમાન મહેન્દ્ર સિંહ ધોનીને આપી. ટીમને ચાર વખત ચેમ્પિયન બનાવનાર માહીએ આ સિઝનની શરૂઆતમાં જ કેપ્ટન્સી છોડીને બધાને ચોંકાવી દીધા હતા.
ત્યારબાદ ફ્રેન્ચાઇઝી દ્વારા જાડેજાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ તે દબાણને સંભાળી શક્યો ન હતો. તેથી, તેણે તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પગલું ભર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.
રવીન્દ્ર જાડેજાએ રમત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સુકાની પદ છોડવાનો નિર્ણય લીધો છે, તેણે મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી સુકાનીપદ સંભાળવા વિનંતી કરી છે.
ટીમના હિતને ધ્યાનમાં રાખીને, માહીએ પણ જાડેજાનો અનુરોધ સ્વીકારી લીધો છે અને હવે ધોની કેપ્ટન તરીકે સિઝનમાં પહેલીવાર રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ઉતરશે.
માહી આઈપીએલમાં બીજો સૌથી સફળ કેપ્ટન
મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસમાં બીજો સૌથી સફળ કેપ્ટન છે, જેણે 2010, 2011, 2018 અને 2021માં ચેન્નાઈ માટે ચાર વખત ખિતાબ જીત્યો હતો. ધોનીના નેતૃત્વમાં યલો આર્મીએ 121 મેચ જીતી છે.
ટીમ ટૂર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. સળંગ પ્રથમ ચાર મેચ હાર્યા બાદ ટીમ હવે 8 મેચમાંથી માત્ર બે જ જીતવામાં સફળ રહી છે.